“તારું હોવું તો પ્રથમ પુરવાર કર,
એના અસ્તિત્વ વિશે રકઝક પછી.”
કવિ હિતેન આનંદપરાએ લખેલ ઉપરોક્ત વાતમાં ‘આપણું’ હોવું પુરવાર કેવી રીતે થશે?
૨૦૧૦ ની સાલમાં તામિલનાડુના ડીનડીગુલ જિલ્લાના એક નાના ગામનો ખેડૂત દેવાથી કંટાળી આપઘાત કરવા નજીક આવેલ નદીના બ્રિજ પર ચઢ્યો. તે પોતે સારો તરવૈયો હતો આથી કુદકો મારતા પહેલા તેણે પોતાના હાથ દોરડાથી બાંધ્યા. હવે કુદકો મારવાનો જ બાકી હતો ત્યાં તેણે જોયું કે નદી કિનારાથી થોડે દુર એક છોકરો ડૂબી રહ્યો છે, તે બચવા ફાંફા મારી રહ્યો છે અને તેની માં કિનારે ‘કોઈ બચાવો’ બુમો મારી કલ્પાંત કરી રહી છે. તરત જ આ ખેડૂતે પોતાના બાંધેલા હાથની ગાંઠ દાંતથી ઢીલી કરી હાથ છુટ્ટા કરી નદીમાં ભૂસકો માર્યો, પેલા છોકરાને બચાવવા માટે.
છોકરાને બચાવી બાવડેથી પકડી તેની માં પાસે લાવ્યો. છોકરાની માં એ ખેડૂતનો આભાર માન્યો અને આશિર્વાદ આપ્યા કે, ‘હું ઈશ્વરને પાર્થના કરીશ કે આ જ રીતે તું ઘણાની જિંદગી બચાવી શકે.’ માતાના શબ્દોથી ખેડૂત પોતાનું દુઃખ ભૂલી ગયો, તેને જીવનને નવી રીતે જીવવાની દિશા અને બળ મળ્યું. હવે રોજ સાંજે તે દોઢથી બે કલાક પેલા બ્રિજ પાસે જતો, બીજાને બચાવવા માટે. ૨૦૧૭ સુધીમાં તેણે ૨૩ જણાના જીવન બચાવ્યા. રાજ્ય સરકારે તેનું સન્માન કર્યું. સંજોગો પણ એવા બદલાયા કે ખેડૂત સમય સાથે દેવામાંથી પણ બહાર આવી ગયો. આ વાતમાં કોણે કોને બચાવ્યો તે કહેવું મુશ્કેલ છે.
ખરેખર તો માણસના મનમાં કોઈ નબળો વિચાર આવે ત્યારે તે ક્ષણ, તે કલાક કે તે દિવસ જ તેના માટે નબળો હોય છે.ફક્ત તેની માન્યતા પ્રમાણે જ જીવન પૂરું થઇ ગયું હોય છે, વાસ્તવમાં ફરીથી ઉભા થઈ શકાય તેવી ઘણી શક્યતાઓ બચી હોય છે. બને કે તેણે જીવનને એક જ દિશામાં જોયું હોય અને દિશાઓ/શક્યતાઓ જોઈ જ ના હોય એટલે અન્ય દિશાઓમાં પણ કિનારો હોઈ શકે તે તેને ખ્યાલ જ ના આવે.
કોઈ એક કામમાં આપણે નિષ્ફળ ગયા છે તેનો અર્થ એટલો જ છે કે માત્ર એ કામમાં, એસમયે, એ સંજોગોમાં આપણને નિષ્ફળતા મળી.સમય અનેસંજોગો બદલાતા આપણે એ જ કામમાં સફળ પણ થઇ શકીએ છીએ. એક કામમાં મળેલીનિષ્ફળતાને સમગ્ર જીવન કે પોતાની જાત સાથે જોડી દેવાની જરૂર નથી.
ડૂબતા છોકરાને જોવો અને બચાવવા કૂદવું તેવી ઘટનાઓ દરેકના નસીબમાં નથી હોતી. મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે મોટાભાગના આપઘાતના કિસ્સામાં વ્યક્તિ તેના અંતિમ પગલા પહેલા કોઈકને કોઈક સગા કે મિત્ર સમક્ષ તો પોતાની તકલીફ રજુ કરવાનો પ્રયત્ન કરતી જ હોય છે. તે સગા કે તે મિત્ર નિરાશ વ્યક્તિને સાંભળવા અને સંભાળવામાં નિષ્ફળ જાય તે પછી જ નિરાશ વ્યક્તિ અંતિમ પગલું ભરે છે.
કોઈ નિરાશ વ્યક્તિ જ્યારે તમને તેની પીડા જણાવવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો નબળો સમય સાચવી લેવા જેવું પુણ્યનું કામ આ દુનિયામાં એક પણ નથી.તેની તકલીફો સાંભળવા સમય કાઢી, તેનો એ નબળો કલાક કે નબળો દિવસ સાચવી તેને તમે ફક્ત એક જ વાક્ય હ્રદયના ઊંડાણમાંથી કહો કે, ‘ચિંતા ના કરીશ, તારો આ સમય પણ જતો રહેશે.’ એ ઈશ્વરને ગમતું અને તમારા હાથે થયેલું જીવનનું શ્રેષ્ઠ કર્મ હશે.
અહીં બીજી રીતે જોઈએ તો તમે નસીબદાર કહેવાવ કે કોઈની નબળી ક્ષણ સાચવવા માટે ઈશ્વરે તમને પસંદ કર્યા છે.તમારા સહાનુભૂતિપૂર્વક બોલાયેલા શબ્દોમાં કોઈને વિશ્વાસ હોવો એ વાત જ આ દુનિયામાં ‘આપણું’ હોવું પુરવાર કરે છે. આપણા માટે જ ભેગું કરવું તે ‘આપણું’ હોવું પુરવાર નથી કરતું પણ આપણા જીવનનો થોડો હિસ્સો બીજા માટે કામમાં આવે તે ‘આપણા’ હોવાનું પુરવાર કરે છે.
૭૦ વર્ષ પહેલા રાજકપૂર અભિનિત ‘અનાડી’ પિકચરમાં આ જ વાત શૈલેન્દ્રએ કરી હતી. “किसी की मुस्कुराहटों पे हो निसार, किसीका दर्द मिल सके तो ले उधार, किसीके वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है.”
છેલ્લો બોલ : “પોતાની જાત સાથે એકાદ મુલાકાત તો કરો – બીજું બધું થઇ જશે.
આત્મવિશ્વાસ સાથે અણધાર્યો પ્રવાસ તો કરો – બીજું બધું થઇ જશે.
રસ્તે જતા હો તો મિત્રને સાદ તો કરો – બીજું બધું થઇ જશે.” (મૃગાંક શાહ)
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૩૪ – ૩૦/૦૬/૨૦૨૦