Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

અણધારી મદદ, અણધાર્યો વિકલ્પ, અણધાર્યો રસ્તો

૧૩ જુન ૧૯૯૯ : ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ખુબ અગત્યની વર્લ્ડકપ ક્રિકેટની મેચ હતી. સાઉથ આફ્રિકાએ કરેલા ૨૭૧ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની ૧૮ જેટલી ઓવરમાં ત્રણ મુખ્ય બેટ્સમેનોને ગુમાવી માત્ર ૭૦ રન જ કર્યા હતા. બાકીની ૩૦ ઓવરમાં ૨૦૦ રન કરવાનું અઘરું જણાતું હતું.

કેપ્ટન સ્ટીવવોગે સામે છેડે રમતા રિકી પોન્ટિંગને કહ્યું, ‘ગયેલી ઓવર્સ અને આઉટ થયેલા બેટ્સમેનોને ધ્યાનમાં લેવાના નથી. આપણી પાસે બચેલી ૩૦ ઓવરમાં આપણું શ્રેષ્ઠ પ્રદશન કરવાનું છે.’ કેપ્ટન સ્ટીવવોઘના ક્લાસિક ૧૧૦ બોલમાં ૧૨૦ રનની સહાયતાથી ઓસ્ટ્રેલિયા આ મેચ અને પછીથી વર્લ્ડકપ જીતી ગયું.

૧૯૮૩ માં આવેલ ‘અવતાર’ ફિલ્મમાં રાજેશ ખન્નાએ પોતાનો એક હાથ ગુમાવતા તેની પત્ની શબાના આઝમી પોતાના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરે છે ત્યારે રાજેશ ખન્ના તેને કહે છે, ઈશ્વરનો આભાર માનીએ કે મારો ફક્ત હાથ જ ગયો છે મગજ તો બચ્યું છે.’શરૂઆતમાં પોતાનું બધું જ ગુમાવી બાદમાં ફિલ્મમાં તે પોતાની બૌધિકશક્તિથી નવું સંશોધન કરી ફરી ઉભો થાય છે અને ઘણું ધન કમાય છે.

૧૯૭૮ માં આવેલ ‘ડોન’ ફિલ્મમાં હેલન નાયક અમિતાભ બચ્ચનને કહે છે કે, ‘તારી પિસ્તોલમાં હવે એક પણ ગોળી નથી અને બહાર પોલીસ છે. તારી પાસે પોલીસના હવાલે થવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી.’

અમિતાભ બચ્ચન જવાબ આપે છે, ‘પિસ્તોલમાં ગોળી નથી તે તને ખબર છે, મને ખબર છે પણ પોલીસને ખબર નથી.’ પછી બચ્ચન હેલનના મોઢે રૂમાલ બાંધી ખાલી પિસ્તોલની મદદથી પોલીસના ઘેરામાંથી છટકી જવામાં સફળ થાય છે.

હવે હું ફિનિશ્ડ થઇ ગયો મારી પાસે કોઈ સાધનો નથી, કોઈ મદદ નથી. મારે હવે રણમેદાન છોડી દેવું પડશે’ આવું વિચારનારા ક્યારેય પોતાની મંઝિલ સુધી પહોંચી શકતા નથી. મંઝિલે પહોંચવાની મઝા ત્યારે જ છે જ્યારે તમારી પાસે બધા વિકલ્પો પુરા થઇ ગયા હોય.

તે વખતે પણ ઈશ્વર પર શ્રધ્ધા રાખી પોતાનું કર્મ ધપાવ્યે જનાર સામે છેવટે ઈશ્વરે પણ ઝૂકવું પડે છે. કોઈક અણધારી મદદ, અણધાર્યો વિકલ્પ, અણધાર્યો રસ્તો ખુલી જાય છે અને મંઝિલનો માર્ગ મોકળો થઇ જાય છે. એકદમ અંધારી ગુફામાંથી બહાર આવતા અચાનક તેજપ્રકાશ દેખાય તેવો અનુભવ થાય છે.

તમારી પાસે શું હતું અને હવે શું નથી તેવું વિચારવાની જરૂર નથી. પરિસ્થિતિને કે કોઈ વ્યક્તિને તમારી તકલીફ માટે બ્લેઈમ કરવાની પણ જરૂર નથી. જે કઈ બચ્યું છે તેમાં જ વિશ્વાસ રાખી નિષ્ઠાપૂર્વકનું કર્મ ચાલુ રાખવાનું છે.

પાંડુરંગ શાસ્ત્રીજી ‘દાદા’ એ ત્રિકાળસંધ્યામાં કહ્યું હતું એમ, ‘કંટક માં કેડી તું કરજે કુનેહથી, તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન.’

૧૯૯૨ માં આવેલ ‘ખુદાગવાહ’ પિક્ચરમાં અમિતાભ બચ્ચનનો એક ડાયલોગ, ‘અજમાઇશ કડી હૈ, ઈમ્તેહા મુશ્કિલ, લેકિન હોસલા બુલંદ.’ બચેલી શક્યતાઓ સાથે આત્મવિશ્વાસ અને પ્રયત્નોને જોડી દો, તમે જરૂર સફળ થશો જ. તેવો સંદેશ આપે છે.

છેલ્લો બોલ : અમારા એક રેડિયોલોજીષ્ટ ડોક્ટર મિત્ર નાના ગામમાં અઠવાડિયે એક વખત સોનોગ્રાફી કરવા જાય ત્યારે ઘણી વખત ગામમાં લાઈટ જતી રહે. તેઓ પોતાની કાર ક્લિનિકના દરવાજા સુધી લાવી કારની બેટરી સાથે સોનોગ્રાફી મશીનનું જોડાણ કરી કલાકોથી રાહ જોતા પેશન્ટ્સની સોનોગ્રાફી પૂરી કરે. ઈલેક્ટ્રીસિટી વિના જે હાથવગું હતું તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને પણ ડોક્ટર પોતની ફરજ શ્રેષ્ઠ રીતે પૂરી કરી શક્યા.

ડો. આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૮૨ ૧૭/૦૮/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp