૧૫/૦૭/૨૦૧૭ : અમેરિકાના ઇન્ડીયાના સ્ટેટના કારમેલ શહેરની ૨૫ વર્ષીય સારા કમિન્સ આ દિવસની બે વર્ષથી રાહ જોઈ રહી હતી. મી. અરૌજો નામનાં યુવક સાથે તેની બે વર્ષ અગાઉ સગાઈ થઈ હતી. ૧૫ જુલાઈએ તેમના લગ્ન થવાના હતા. આ દિવસ યાદગાર બનાવવા તેમણે રીત્સ ચાર્લ્સ નામનાં સ્થળે ૩૦,૦૦૦ ડોલર (આશરે ૨૦ લાખ રૂ એ સમય પ્રમાણે) જેટલી રકમ એડવાન્સમાં આપી ૧૭૦ જણા માટેના ડીનરનું સુંદર આયોજન કર્યું હતું. આ સુંદર પ્રસંગને કાયમ માટે યાદગાર બનાવવા ફાર્મસીની વિદ્યાર્થીની સારા કમિન્સે બે વર્ષથી ઓવર ટાઈમ કરી તેમજ શની–રવી જેવા રજાના દિવસોમાં પણ વધુ કામ કરીને ઉપરોક્ત રકમની બચત કરી હતી.
પોતાના લગ્નની બધી જ તૈયારી પૂરી કરી લગ્નના દિવસની આતુરતા પૂર્વક રાહ જોતી સારા કમિન્સને કોઈક કારણસર પોતાના મંગેતર સાથે લગ્નના અઠવાડિયા અગાઉ વાંકુ પડ્યું. છેવટે લગ્ન ફોક થયા. સારાએ જ્યાં પાર્ટી નક્કી કરી હતી ત્યાંના સંચાલકોએ પૈસા એડવાન્સમાં લેતી વખતે જ શરત રાખી હતી કે કોઈ પણ કારણસર પાર્ટી કેન્સલ થાય તો પૈસા પાછા મળશે નહીં.
નિરાશાની ગર્તામાં ડૂબેલી હોવા છતાં સારાને એક ઉમદા વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે ૧૭૦ જણાનું આટલું સુંદર ભોજન ફેંકી દેવામાં આવે એના કરતા જે લોકો ઘર વિના રહે છે, ગરીબ છે અને નિસહાય છે તે લોકોને એ જ દિવસે એ જ સ્થળે પાર્ટી આપવી.
બહુ ઝડપથી સ્વસ્થતા કેળવી તેણે આવા જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધી નાખ્યા. તેમને ખુબ સુંદર કપડા મળે અને તેઓ પાર્ટીના સ્થળે તકલીફ વિના આવી શકે તે માટે બસની પણ વ્યવસ્થા કરી. તેની માતા સાથે મળી દરેક ટેબલને પોતાના ઘરેથી લાવેલ સુંદર ટેબલક્લોથથી સજાવ્યા. પાર્ટી સ્થળે તેણે ખુબ જ આનંદિત રહી બેઘર ગરીબોને આવકાર્યા. સુંદર ભોજન સાથે પોતાની વેડીંગ કેક પણ તેણે પીરસી. પાર્ટી પહેલા કપલ ટેબલ અને ગીફ્ટ ટેબલ કઢાવી નાખવાની સુચના હોટલ મેનેજમેન્ટને આપતી વખતે સારાની વેદના તો તેના સિવાય કોઈ જાણી ના શકે.
ઇન્ડીયાના પોલીસ સ્ટાર સમાચારપત્રને મુલાકાત આપતી વખતે થોડા નિરાશાજનક સ્વરે સારાએ કહ્યું કે, ‘મારા વેડીંગ ગાઉનનું હું શું કરીશ એ મને ખબર નથી પણ આ લોકોને સુંદર ભોજન હું આપી શકી તેનો મને ખુબ આનંદ છે’. ૧૭૦ આમંત્રિત બેઘર ગરીબોને તો આ પાર્ટી જિંદગીભર યાદ રહી જશે. જીવનની દુઃખદ ઘટના વખતે પણ બીજાને કઈક આપી ઉમદા સામાજિક કાર્ય કરી શકાય છે તેવો સુંદર સામાજિક સંદેશ વિશાળ હદયની સારાએ આપ્યો.
છેલ્લો બોલ : જીવનમાં એવા કામો કરો કે જ્યારે આપણા માતા–પિતા પ્રભુને પાર્થના કરે ત્યારેકહે કે, ‘હે પ્રભુ આવતા જન્મમાં પણ અમને આવી જ સંતાન આપજે.’
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૪૯ – ૧૫/૦૭/૨૦૨૦