૨૦૧૩ ની સાલ. સ્થળ : નવી દિલ્હીની દરબંગા લેન. ખલીલચાચા નામનાં એક વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના ખબર અંતર પૂછવા એક ચાલીસ વર્ષની પ્રસિદ્ધ જાજરમાન મહિલા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા. મહિલાની સાથે રહેલા સિક્યોરિટી ગાર્ડસમાં આશ્ચર્ય સાથે દોડધામ મચી ગઈ. ભારતના પ્રસિદ્ધ રાજકારણી કુટુંબની આ મહિલાને પોતાના ખબર અંતર પૂછવા આવેલા જોઈ ખલીલચાચાની આંખમાં આંસુ આવી ગયા. આ મહિલા હતા પ્રિયંકા ગાંધી.
ખલીલચાચાએ ૧૮ વર્ષ સુધી ગાંધી કુટુંબના ડ્રાઈવર તરીકે સેવા આપી હતી. તેઓ રાહુલગાંધી અને પ્રિયંકા ગાંધીને શાળાએ મુકવા લેવા જવું અને ફરવા લઈ જવાના કામ ખુબ આનંદથી કરતા. તેમને એમ કે હવે તો ગાંધી કુટુંબ પોતાને ભૂલી ગયું હશે. તેમને મેડીકલ તકલીફ થયેલી જાણી પ્રિયંકા ગાંધીને પોતે તેમના પાસે જઈ તેમના ખબર અંતર પૂછવાની ઈચ્છા થઈ હતી.
થોડા સમય પહેલા અમદાવાદના એક ડોક્ટર દંપત્તિની ૩૦ વર્ષની દીકરી પોતાની એક વર્ષની દીકરીને લઈને તેની માતાની હોસ્પિટલમાં વર્ષો પહેલા કામ કરતા એક આયા બહેનનું ઘર શોધતા શોધતા તેને ઘરે પહોચી ગયા. આયાબહેનની આંખમાં તો ડોક્ટરને દીકરીને જોતા જ આંસુ વહેવા માંડ્યા.
ડોક્ટરની દીકરીએ કહ્યું, ‘બા આજે હું મારી દીકરીને તમારી પાસે લઈને આવી છું. તે ખાતી નથી. મારી મમ્મી કહેતી હતી, હું નાની હતી અને નહોતી જમતી તો તમે જ મને જમાડતા અને મને જમતા શીખવ્યું હતું. તમારી ધીરજ અને પ્રયત્નોના મમ્મી ખુબ વખાણ કરતી. હવે મારી દીકરીને કેમ જમાડતા શીખવું તે તમે મને શીખવો.’ ડોક્ટરને ત્યાં કામ કરતા આયા બહેન માટે તો આ પ્રસંગ જીવનભરનું સંભારણુ બની ગયો.
આપણા પી.એમ શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પી.એમ થયા અને દિલ્હી ખાતે ગયા પછી પણ ગાંધીનગર ખાતે પોતાની સાથે સંકળાયેલા લોકોના ઘરે કોઈ સાજુ માંદુ થાય તો ખબર અંતર પૂછવા વ્યક્તિગત ફોન કરે છે. આર.એસ.એસ માં વર્ષો પહેલા પોતાની સાથે રહેલા એક મિત્રના કુટુંબીજનનું નિધન થતા તેમણે તેમના કુટુંબીજન સાથે ફોન કરી દિલાસો આપ્યો હતો.
ઘણી વ્યક્તિઓ પોતાની સફળતા અને પોતે અત્યારે જ્યાં છે ત્યાં સુધી પહોંચવાની જર્નીમાં સાથ આપેલ લોકોને ક્યારેય ભૂલી નથી શકતી. તમે પણ તમારી જિંદગીમાં તમને સફળતા અને ઈચ્છિત મંઝિલે પહોંચાડવામાં મદદરૂપ થયા હોય તેવા કામથી નાના પણ હ્રદયથી વિશાળ લોકોને ક્યારેક મળજો, તેમના ખબર અંતર પૂછજો અને શક્ય હોય તો તેમની અત્યારની પરિસ્થિતિમાં તેમની કોઈ તકલીફમાં મદદરૂપ થઈ શકાય તો મદદ કરજો. બંને પક્ષે જીવન જીવ્યાની ધન્યતાનો અનુભવ થશે.
છેલ્લો બોલ : વ્યક્તિ ગમે તેટલું ફાસ્ટ દોડી શકવાની ક્ષમતા ધરાવતો હોય પણ તે ચાલતા શીખતો હતો ત્યારે તેની આંગળી કોણે પકડેલી તે તેણે ક્યારેય ના ભૂલવું જોઈએ.
ડો.આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૭૫ – ૧૦/૦૮/૨૦૨૦
