સ્થળ : એસ.જી.હાઈવે પર આવેલી એક મોટી આઈ.ટી કંપની.
આજે દર ત્રણ મહિને થતી મિટિંગ હતી. કંપનીના સી.ઈ.ઓ તેમના એમ્પ્લોઇઝ સાથે મળે. વિવિધ ઓપરેશન્સ સાથે સંકળાયેલી અલગ અલગ ટીમો સાથે હળવા મુડમાં વાતો કરે. બધા પોતાના અનુભવોની આપલે કરે. કંપનીના ભાવી પ્રોજેક્ટ્સ વિશે હળવા મુડમાં વાતો થાય. સી.ઇ.ઓ બધાને સાંભળે – સલાહ લે.
આજે કોઈએ તેમને પૂછ્યું, સર, ‘અમારા બધામાં તમને કોનું કામ સૌથી શ્રેષ્ઠ લાગ્યું?’ પ્રશ્ન અઘરો હતો, પણ મિટિંગમાં શાંતિ છવાઈ ગઈ. બધાને જવાબ સાંભળવો હતો. સાહેબે જવાબ આપ્યો, ‘મને તમારા બધાના કામથી સંતોષ છે. બધા જ દિલથી કામ કરો છો. આથી જ કંપનીના ત્રિમાસિક પરિણામ પણ કેટલા શ્રેષ્ઠ આવેલ છે.’ પૂછનારે આગ્રહ કર્યો, ‘આવો જવાબ નહીં, સર, અમે બધા અમારા કામની ત્રુટિ શોધી હજુ વધુ સુંદર કામ કરવા માંગીએ છીએ. તમારા જવાબથી કોઈને વ્યક્તિગત દુઃખ નહીં પહોંચે તેની અમે ખાતરી આપીએ છીએ.’
ઘણા આગ્રહ પછી બોસે જવાબ આપ્યો, ‘તમે બધા જ તમારી રીતે તમારા કામમાં શ્રેષ્ઠ છો જ. પણ જ્યાં મને ખુબ ગમે તેવું કામ કરનાર, સવારે ઓફિસે આવતા જે માણસ નીચે કમ્પાઉન્ડ, સીડી સાફ કરે છે તે ગોપાલભાઈ છે. તે એટલી સુંદર રીતે આપણા કોમ્પ્લેક્ષને સ્વચ્છ રાખે છે કે આપણી ઓફિસે આવનાર દરેકને આવતા જ એક સુંદર અનુભૂતિ થાય છે. ક્યાંય આડોઅવળો કચરો ન હોવાને કારણે બધી જ આવતી વ્યક્તિઓ એક પ્રફુલ્લિત મન સાથે પોતાનું કામ શરૂ કરી શકે છે. તે નથી આવ્યો હોતો ત્યારે ઓફીસના પગથિયા ચઢતા જ ખ્યાલ આવી જાય છે કે આજે ગોપાલભાઈ નથી આવ્યા લાગતા. ભલે તે ક્યારેય મારું કામ કેવું લાગ્યું? તેવું પૂછવા નથી આવતો પણ તે છે તો આપણે બધા સારી રીતે કામ કરી શકીએ છીએ.’ બધાને સાહેબના જવાબ થી સંતોષ થયો.
ઉપરની વાતના તારણો ઘણા નીકળી શકે. મુખ્ય તારણો :
- આપણને જે પણ કઈ કામ મળે તે આનંદથી શ્રેષ્ઠ રીતે ઈશ્વરની ફરજ રૂપે કરીએ. આપણા ભાગે આવેલ કોઈ પણ કામ નાનું નથી.
- શ્રેષ્ઠ કામની નોંધ ક્યાંક ને ક્યાંક લેવાય જ છે.
- સારું કામ કરવા ‘મોટું કામ કે મોટો પ્રોજેક્ટ’ જરુરી નથી.
- આપણી ગેરહાજરીની પણ નોંધ લેવાવી જોઈએ.
- આપણું કામ ઘણા બધા લોકોને મદદરૂપ થવું જોઈએ.
છેલ્લો બોલ : ભગવાને દુનિયાની દરેક વ્યક્તિ પાસે શીખવા યોગ્ય ગુણ મુક્યો જ હોય છે.તેમાં ઉંમર, કામનો પ્રકાર, હોદ્દો, દેશ, ધર્મ કે જાતિ કઈ છે તે જાણવાની જરૂર નથી. આપણે આ વ્યક્તિના શીખવા જેવા ગુણને શોધી ધ્યાનમાં લઈએ તો જ આપણામાં રહેલી અશુદ્ધિઓ દુર થશે અને આપણો વિકાસ થશે.
ડો. આશિષ ચોક્સી – ગુડ મોર્નિંગ – કડી ૪૩ – ૦૯/૦૭/૨૦૨૦
