Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

વાઈફ એપ્રીશીએશન ડે

થોડા વર્ષ પહેલાની ઘટના છે. મારા એક પેશન્ટને આપણે પાર્થ નામથી ઓળખીએ. તેના નાનીનું મુંબઈ ખાતે અવસાન થયું. એ જ વખતે પાર્થના દાદી કોઈ ગંભીર બિમારી માટે અહીં અમદાવાદમાં કોઈ હોસ્પિટલમાં એડમિટ હતા. પાર્થ ના મમ્મીએ એ વખતે અદભુત નિર્ણય લીધો.

તેમણે તેમના પતિને કહ્યું, ‘મારા મમ્મી હવે નથી. મને મુંબઈ જઈ તેમને છેલ્લી વાર જોવાનું મન તો બહુ થાય પણ તમે જાવ મને વિડીઓ મોકલતા રહેજો. મારી વધુ જરૂર અહીં છે. બાળકોને સાચવવાના છે. ઘરમાં થોડા મહેમાન છે, મારા સસરા – સાસુને પણ હું અહીં રહું તો વધુ મદદરૂપ થઈ શકું.

ત્યાં જઈ થોડા દિવસ સગા આવશે, ભગવાનનું નામ લઈશું. એ તો પછીથી પણ થઇ શકશે. પાર્થના મમ્મીએ ખુબ જ હિંમત એકઠી કરી તેમના પિતાજી સાથે વાત કરી. તેમના પિતાએ પણ તેમની દીકરીના નિર્ણયને બરાબર ગણ્યો. પાર્થના મમ્મીએ કહ્યું, મારો આ નિર્ણય જ મારી મમ્મીને સાચી શ્રદ્ધાંજલિ હશે.’

કુટુંબ માટે એક પત્ની, એક દીકરી કે એક માતા કેટલી જગ્યાએ જતું કરે છે તે ખરેખર કોઈ સમજી શકતું નથી. કારણકે અલગ અલગ સંજોગોમાં અલગ અલગ વ્યક્તિઓ માટે તેણે જતું કર્યું હોય છે એમાં ઘણી વખત ‘આ તો તેણે કરવું જ જોઈએ’, ‘આમ તો દરેક પત્ની કે સ્ત્રી કરે જ’, ‘આ તો તેની ફરજમાં આવે જ’, એમ મનાય છે. સપ્ટેમ્બરનો ત્રીજો રવિવાર ‘wife appreciation day’ તરીકે મનાય છે. તેના કામ અથવા તેણે આપેલા ભોગની કદર કરવાની તક.

૧૯૮૨’ માં આવેલ શક્તિ પિક્ચરમાં પતિ દિલીપકુમારને બચાવવા પત્ની રાખી દુશ્મનની ગોળી ઝીલી પોતાનો જીવ આપી દે છે. હોસ્પિટલમાં મૃત રાખીના દેહ પાસે આવીને દિલીપકુમાર કહે છે કે તું જઈશ તો મારા જીવનમાં કશું જ બચશે નહીં. આ સીન હિન્દી ફિલ્મનો એક માસ્ટર પીસ ગણાય છે.

આટલા વર્ષોમાં અમારી બાળરોગની પ્રેક્ટીસમાં પણ જોયું કે મોટાભાગના કિસ્સામાં બાળક માંદુ પડે તો સર્વિસ કરતી માતા અને પિતા હોય તેમાં માતાએ વધુ ભોગ આપવો પડતો હોય, પિત્તા પણ આવે પણ તે પોતાની જવાબદારીઓનું ગોઠવણ કરીને આવે જ્યારે માતાને ખબર પડે કે સંતાનને કઈક થઈ ગયું છે તો તે તરત જ બધું પડતું મુકીને આવે.

જો તમે ૭૦ વર્ષ પુરા કર્યા છે અને હેલ્થ સારી હોય, તમને ૬૦ વર્ષ થયા હોય અને તમારા ૮૫ વર્ષ ઉપરના માતાપિતા જીવનનો આનંદ લઈ રહ્યા હોય, તમને ૫૦ વર્ષ થયા હોય અને તમારા ટીનએઈજ સંતાનો તમને ખુબ પ્રેમ કરતા હોય અને ૪૦ વર્ષ થયા હોય અને વ્યવસાયિક રીતે ખુબ સફળ થઇ શક્યા હોય તો આ બધી વસ્તુની ક્રેડીટની હક્કદાર તમારી પત્ની છે.

જે ટીનએઈજ બાળકોને તેમના પિતાની શ્રેષ્ઠ વસ્તુઓ તેમની માતા બતાવે છે તે બાળકોને તેમના પિતા માટે સન્માન જીવનભર રહે છે.સંતાનો માટે, પતિ માટે અને સાસુસસરા માટે સ્ત્રી પોતાના શોખ, પોતાનો વ્યવસાય અને પોતાની લાગણીઓનો વર્ષો સુધી સમયઅંતરે ભોગ આપે છે ત્યારે કુટુંબ સફળ થાય છે.ઘણીવાર તે અંદર ને અંદર ઘૂંટાય પણ બહાર નથી આવતું. ભલે ભારતીય સંસ્કાર પ્રમાણે આ બધુ સ્ત્રીની ફરજમાં જ આવે તો પણ તેની સમય અંતરે કદર થવી જ જોઈએ.

છેલ્લો બોલ : કદર નો અર્થ ‘સફર’ પિકચરના ગીત ‘જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે’ તે નથી પણ આનંદ પિકચરના ગીત ‘મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને’ તે પ્રમાણેનો થાય છે. આ ગીતનો અર્થ સુંદર છે. “તારી આંખોએ સજાવેલા અને તે જોયેલા સપના મારે પુરા કરવા છે.”

આ સ્વપ્ના સાથે ભલે હું સહમત ના પણ હોઉં પણ છતાં તે જોયેલા છે. તે સ્વપ્ના પુરા કરવા હું મારું શ્રેષ્ઠ કરું અને તારા જીવનમાં હું રંગો ભરું. ઘણા સ્વપ્ના વિશે તું બોલી જ નથી છતાં પણ તેને સમજી હું પુરા કરવા પ્રયત્ન કરું.

હેપ્પી ‘વાઈફ એપ્રીશીએશન ડે’ ટુ ઓલ.

ડો. આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૧૧૫ – ૨૦/૦૯/૨૦૨૦ (વાઈફ એપ્રીશીએશન ડે)

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp