Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

યે દિલ માંગે મોર – ૫૧૪૦ અને ૪૮૭૫

લેખના શિર્ષકમાં આ આંકડા જોઈ આશ્ચર્ય થયું હશે. જો તમે આ આંકડા વિશે માહિતગાર નથી, તો તમારે ઇન્ડિયન આર્મીના સાહસો માટે વધુ જાણવાની જરૂર છે. આ આંકડા ભારતીય જવાનો માટે ગૌરવ, ખુમારી અને બલિદાનના પ્રતિક છે.

૧૯૯૯ નો માર્ચ માસ. હોળીનો સમય. સ્થળ : પાલામપુર, હિમાચલ પ્રદેશ. અહીના નેઉગલ કાફેમાં ૨૪ વર્ષનો એક ભારતીય જવાન અને તેની મંગેતર ડિમ્પલ છીમા વાત કરી રહ્યા હતા. જવાનનું હવેનું પોસ્ટિંગ દ્રાસ – જમ્મુ એન્ડ કાશ્મીર ખાતે હતું. ત્યાં જોખમી ડયુટી હોવાથી ડિમ્પલે તેના ભાવિ પતિને થોડું ધ્યાન રાખવાની સલાહ આપી.

જવાને જે જવાબ આપ્યો તે ભારતીય સૈન્ય માટે સુવર્ણ અક્ષરે અંકિત થયો. ભારતીય સૈન્યની સમર્પિતતાના પ્રતિક સમો જવાબ આવો હતો. હું ભારતીય ત્રિરંગો લહેરાવી પાછો આવીશ અથવા ત્રિરંગામાં વીંટળાઈને પાછો આવીશ પણ આવીશ ચોક્કસ.” “ I will either come back after raising the Indian flag in victory or return wrapped in it. But I will come back for sure.”

આ અમર વાક્ય બોલનારા ભારતમાતાના સપુત જેની રગેરગમાં દેશ માટે કઈક કરી છુટવાની ભાવના હતી જેઓ નીડરતા, શૌર્ય અને બલિદાનના પ્રતિક ગણાય છે તે હતા ‘પરમવીર કેપ્ટન વિક્રમ ગિરધારીલાલ બત્રા.’

તેમના જીવન અને તેમના કર્તવ્ય પરથી થોડી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરીએ. ભારતમાતા માટે ઈશ્વરે સોંપેલા કર્તવ્યો શ્રેષ્ઠ રીતે પુરા કરી જ્યારે તેમણે વિદાય લીધી. (૦૭/૦૭/૧૯૯૯) ત્યારે હજુ ૨૫ વર્ષ પણ પુરા નહતા કર્યા.

૧૯૯૪ માં દિલ્હી ખાતે ગણતંત્રની પરેડમાં NCC દ્વારા તેઓ ગયા ત્યારથી જ તેમને પોતાના જીવનની દિશા મળી ગઈ હતી. બેસ્ટ NCC સ્ટુડન્ટનો એવોર્ડ પોતાના BSC અભ્યાસકર્મ દરમ્યાન મેળવી, ૧૯૯૬ થી ૧૯૯૮ દરમ્યાન ૩૦ માસના ગાળામાં તેમણે બેલગાંઉ, દહેરાદુન, અલાહાબાદ તેમજ જબલપુર ખાતે ભારતીય આર્મીની ટ્રેઈનીંગ લઈ CDS, IMA, SSB, આલ્ફા ગ્રેડીંગ, યંગ ઓફિસર અને કમાંડર સુધીની જર્ની કરી લીધી.

૧૯૯૮ ડીસેમ્બરમાં એક ઘટનાએ તેમને વધુ બેફિકર અને નીડર બનાવી દીધા. બારામુલ્લા ખાતે તેમનું પોસ્ટિંગ હતું. બારામુલ્લાના ગીચ જંગલોમાં આતંકવાદીઓ સામે લડતા એક ગોળી તેમની સામે આવી જે તેમણે ચુકાવી દીધી. ગોળીએ તેમની પાછળ આવતા સાથીનો ભોગ લીધો. કમાંડર વિક્રમ ખુબ વ્યથિત થઈ ગયા, તેમની બહેન આગળ તેઓએ દુઃખ પ્રગટ કર્યું, ‘ વો ગોલી મેરે લિયે થી’ આ ઘટના બાદ દુશ્મનો સામે સામી છાતીએ લડવાનું તેમનામાં જોશ આવી ગયું.

મે ૧૯૯૯ ના અંતમાં પાકિસ્તાને ભારતના ઘણા વ્યુહાત્મક પોઈન્ટ કબજે કર્યા અને કારગિલ યુધ્ધ છેડાયું. ૦૫/૦૬/૧૯૯૯ કમાંડર વિક્રમ દ્રાસ ખાતે ૧૩ JAK RIF ટુકડીમાં જોડાયા અને તેમને પોઈન્ટ ૫૧૪૦ ની જવાબદારી આપવામાં આવી. પાકિસ્તાન સામે ભીષણ ગોળીઓ અને રોકેટ લોન્ચરોનો સામનો કરી ૨૦ જુન સવારે ૩.૩૫ ના રોજ ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ પોઈન્ટ ૫૧૪૦ ભારતે કબજે કર્યું. સાત બંકરો પાકિસ્તાન પાસેથી કબજે કરી લીધા તેમના ૧૬ સૈનિકો માર્યા ગયા ત્યારે ભારત તરફથી એક પણ જવાનની શહિદી નહોતી થઇ. બધું જ કામ સૂર્યોદય પહેલા પતાવવાનો તેમનો પ્લાન હતો.

કેપ્ટન બત્રાએ ૫૧૪૦ પોઈન્ટની પાછળની દિશામાંથી આર્મીની ભાષામાં ‘વર્ટીકલ કલાઇમ્બ’ કરી પાકિસ્તાની આર્મી પર જે એટેક કર્યો તે તેમણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. આ એટેકમાં બત્રા સફળ થયા પાકિસ્તાની સૈન્યનું મનોબળ તૂટી ગયું. તેઓ માટે ભાગવાના રસ્તા જ ન હતા. ત્રણે છેડે ભારતીય આર્મી જવાનો આવી ગયા હતા. જો બત્રા નિષ્ફળ ગયા હોત તો તેઓ જીવતા ન રહ્યા હોત તે નક્કી હતું.

કમાંડર વિક્રમનો કેટલો સુંદર વ્યૂહ અને દુશ્મનો પરનો હુમલો હશે. ઘણા પાકિસ્તાની સૈનિકો ભાગતા ભાગતા ઊંડી ખીણમાં પડ્યા અને જાન ગુમાવ્યા. તેમની આ હિમત અને શૌર્યને કારણે ચાલુ યુધ્ધે જ તેમને કેપ્ટન તરીકેનું પ્રમોશન મળ્યું. કેપ્ટન વિક્રમને ૫૧૪૦ પરના વિજયથી હજુ સંતોષ ન હતો. તેમની ઈચ્છા સંપૂર્ણ વિજય સાથે ભારતના બધા જ વિસ્તારો ઝડપથી પાછા મેળવી લેવાની હતી. તેમણે પોતાની ઈચ્છા પેપ્સીની જાહેરાતના શબ્દોથી કરી જે શબ્દોએ ભારતીય સૈન્યનો ઉતાસાહ વધાર્યો. “યે દિલ માંગે મોર”

આ યુધ્ધ જીતી તેમને આરામ કરવા નીચેના પડાવ પર મોકલવામાં આવ્યા. ૩૦ જુલાઈ માતાને ફોન પર કહ્યું, “મૈ એકદમ ઠીક હું.” કેપ્ટનને તાવ અને થાક હતો. તેમણે સરને કહ્યું, ‘ આઈ વિલ ગો અપ સર’ મુશ્કોહ ઘાટીના ૪૮૭૫ શિખર માટે આપણા સૈનિકો લડી રહ્યા હતા પણ આ કામ અઘરૂ હતું. તેઓ ઊંચાઈ પર હતા. વ્યુહાત્મક પોઈન્ટ પર હતા. ૩૦૪૦ કિમી સુધી ભારતીય સૈન્યની ગતિવિધિઓ જોઈ શકતા હતા. ૪ જુલાઈએ સાંજે છ વાગ્યે વિક્રમની ટુકડીએ ૪૧૭૫ કબજે કરવા ચઢાણ શરૂ કર્યું. આ પોઈન્ટ પર સંદેશો મોકલવામાં આવ્યો કે કેપ્ટન વિક્રમ આવી રહ્યા છે. વિક્રમનું નામ સાંભળતા જ સૈન્યમાં નવો ઉત્સાહ આવ્યો.

દુર્ગા માતાના મંદિરે દર્શન કરી માતાના નામની જય બોલાવતા કેપ્ટન વિક્રમ આગળ વધી રહ્યા હતા. સીધું ચઢાણ, ઝાંકળ અને ધુમ્સ્સના લીધે એક ફૂટથી આગળ જોઈ શકાતું ન હતું. સતત બરફ પડે. પોઈન્ટ પર પહોંચ્યા પછી પહેલા પાંચ, પછી બે પછી ફરી ચાર એમ ૧૧ પાકિસ્તાની સૈનિકોને ઢાળી આ યોદ્ધો હજુ આગળ જ વધતો હતો. ૪૮૭૫ કબજે કર્યું. પણ તેની નજીક ઉત્તરે એક સાંકડા નાળામાં હજુ દુશ્મનો હતા. આ જગ્યાએથી પણ દુશ્મનોનો સફાયો થાય પછી જ ૪૮૭૫ નું ઓપરેશન પૂરું થયેલું ગણાય.

તેમની નસેનસમાં કોઈ દૈવી શક્તિ કામ કરતી હતી. આ અભિયાન પૂર્ણ થવામાં હતું અને તેમના એક અફસર રઘુનાથ સિંહ ઈજા પામ્યા. તેમને વિક્રમે કહ્યું, તમે પત્ની અને બાળકો વાળા છો, મારા તો લગ્ન પણ નથી થયા, હવે હું આગળ રહીશ. કેપ્ટન સિંહની જેમ આગળ વધતા હતા. સામેથી આવેલ એક ગોળીએ તેમની છાતી વિંધી નાખી.

દેશ અને સાથી માટે પોતાના જાનની પરવા ન કરનાર વિક્રમ હવે ન હતા. બાકીનું થોડું કામ ભારતીય સૈન્યએ પૂરું કરી તે સાંકડું નાળું અને ૪૮૭૫ પોઈન્ટ ભારતે કબજે કરી લીધા. સૈનિકો પોતાના પ્રિય કેપ્ટનના શબ પાસે બેસી રહ્યા. ૭ જુલાઈએ તેઓ શહીદ થયા.

તેમના સાહસ, બલિદાન, પરાક્રમ અને વીરતાભર્યા નેતૃત્વને કારણે ૪૮૭૫ પોઈન્ટને કેપ્ટન વિક્રમ બત્રા શિખર નામ આપવામાં આવ્યું. તેમને મરણોત્તર પરમવીર ચક્ર તો અનાયત થયો. ઘણી બધી આર્મી હોસ્ટેલ, ચોકને તેમના નામ અપાયા છે. અદમ્ય સાહસ અને આત્મ બલિદાનને લીધે દિલ્હીના આર્મી મ્યુઝીયમમાં તેમનું પુતળું મુકાયું છે. તેઓ માનતા આર્મી મેન કદી ડયુટી નથી કરતો તે પોતાની માતા (દેશ) માટે સમર્પિતતાનું કામ કરે છે.

છેલ્લો બોલ : ૨૦૧૮ ના મધર્સ ડે ના દિવસે મેં એક લેખમાં વાંચેલ કે ભારતની માતાઓ કેપ્ટન વિક્રમની શિક્ષક માતા કમલ કાન્તાના ઋણી રહેશે કે તેમણે એવા પુત્રને જન્મ આપ્યો કે જેને લીધે ભારતની અન્ય માતાઓ ચેનથી ઊંઘી શકે છે. આ વાક્યે મને કેપ્ટન વિક્રમ વિશે વધુ જાણવા, વાંચવા અને લોકોને તેમના વિશે જણાવવા પ્રેરણા આપી હતી.

કેપ્ટન તમે દેશ માટે હંમેશ જીવંત છો. તમારા શબ્દો, ‘યે દિલ માંગે મોર’, ‘વો ગોલી મેરે લિયે થી’ અને ‘આઈ વિલ ગો અપ સર’ માં જ બહાદુરી અને બલિદાનની ચરમસીમા રહેલી છે.

ALWAYS LEADING FROM FRONT” and “SUPREME SACRIFICE” કેપ્ટન બત્રાને અપાયેલ મરણોત્તર પરમવીર ચક્રમાં તેમના માટે લખાયેલા શબ્દો.

ડો.આશિષ ચોક્સી ગુડ મોર્નિંગ – કડી ૧૦૫ ૧૦/૦૯/૨૦૨૦

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp