૦૮/૧૧/૨૦૨૬
લેખ નંબર = ૧૯
અંધારામાં થયેલી આકસ્મિક શોધ
વાંચન સમય : ૯ મિનિટ
લેખક : ડો. આશિષ ચોક્સી
તારીખ : ૦૮/૧૧/૧૮૯૫
(૧૩૧ વર્ષ પહેલાનો આજનો દિવસ)
સ્થળ : જર્મનીના વૂડ્ઝબર્ગ શહેરની વૂડ્ઝબર્ગ યુનિવર્સિટી
પ્રોફેસર વિલ્હેમ કોનરાડ રોન્ટજન તેમની ભૌતિકશાસ્ત્રની લેબોરેટરીમાં પ્રયોગો કરી રહ્યા હતા.
અત્યાર સુધી તેઓ કાચની નળીમાં વેક્યુમ ઉભો કરી તેમાં ભારે વિજપ્રવાહ દાખલ કરી તેમાં ઉદભવતા કેથોડ કિરણોને સામેની ભીંત પર રાખેલ એક બેરિયમ પ્લેટ પર ઝીલતા. કેથોડ કિરણો નરી આંખે જોઈ શકાતા નથી પણ તે બેરિયમ સાઈનાઈડ પ્લેટ પર પડે તો ચમક (ફ્લુરોસંટ પ્રકાશ) આપતા. આ રીતે નળીમાં ઉદભવતા કેથોડ કિરણોની તીવ્રતા અને તે કેટલું અંતર કાપી શકે છે તે પ્રયોગો તેઓ કરતા.
પ્રોફેસર રોન્ટજનને ખબર હતી કે કેથોડ કિરણો કાળા કાગળને ભેદી શકતા નથી. તેમના વૈજ્ઞાનિક મગજમાં વિચાર આવ્યો કે જો નળીને કાળા કાગળથી ઢાંકી દઈએ તો નળીમાં ઉદભવતા કેથોડ કિરણો બહાર આવી શકશે નહીં. તો નળીની અંદર જ રહેલા શક્તિશાળી કેથોડ કિરણોનું શું થાય છે? તે જાણીએ.
તેમણે રૂમમાં સંપૂર્ણ અંધારું કર્યું જેથી કાળા કાગળથી સંપૂર્ણ ઢાંકેલી વેક્યુમ નળીમાં ઉદભવતા કેથોડ કિરણોની અથડામણથી કોઈ ચમકારો થાય તો જોઈ શકાય. હવે તેઓએ કાળા કાગળથી બંધ વેક્યુમ નળીમાં વિજપ્રવાહ પસાર કર્યો. તેમને ખબર હતી કે કેથોડ કિરણો તો નળીની બહાર આવી શકવાના જ નથી. તેમને હતું કે બંધ નળીમાં કઈક જોવા મળશે પણ તેમના આશ્ચર્ય વચ્ચે નળીની સામેની બેરિયમ કોટેડ પ્લેટમાં લીલા કલરનો ચમકારો થયો.
પ્રોફેસર રોન્ટજન આશ્ચર્યચક્તિ થઇ ગયા. જો કેથોડ કિરણો નળીની બહાર આવ્યા જ નથી તો કોઈ અજ્ઞાત કિરણો નળીમાં ઉદભવ્યા હશે જે બહાર ફેંકાઈ બેરિયમ પ્લેટ પર ચમકારો ઉભો કર્યો. તેમણે આ અજ્ઞાત કિરણોને x ray (અજ્ઞાત કિરણ) નામ આપ્યું.
આ ત્યારે જ શક્ય બન્યું જ્યારે રૂમમાં અંધારું હતું, વેક્યુમ નળી કાળા કાગળથી બંધ હતી, આ નળીમાં વિજપ્રવાહ પસાર કરવાથી ગતિશીલ કેથોડ કિરણો ઉદભવ્યા જે નળીના કાચ સાથે અથડાયા, જેનાથી x ray ઉત્પન્ન થયા. X ray કાળા કાગળથી બંધ નળીને પણ ભેદી શકતા હતા. જેનાથી બેરિયમ પ્લેટ પર ચમકારો થયો.
બેરિયમ પ્લેટ કેથોડ કિરણોના અભ્યાસ માટે ભીંત પર રખાઈ હતી પણ આકસ્મિક રીતે આ પ્લેટે રોન્ટજનને નવી દુનિયા બતાવી જે માનવજાત માટે ઘણી મદદરૂપ થવાની હતી.
હવે રોન્ટજનની ઉત્સુકતા ખુબ વધી ગઈ હતી. તેમણે દિવસો સુધી જાતજાતના અખતરા એ જાણવા માટે કર્યા કે આ અદ્રશ્ય કિરણો (x ray) કઈ વસ્તુઓને ભેદી શકે છે અને કઈ વસ્તુઓને ભેદી શકતા નથી. આ માટે તેમણે જાડો કાગળ, લાકડું, પુસ્તક, કપડું, તેમજ રબર જેવી વસ્તુઓ કિરણોના માર્ગમાં રાખી . કિરણો દરેક વસ્તુને ભેદી જતા. લેડ અને પ્લેટિનમને આ કિરણો ભેદી શકતા નથી તે પણ તેમણે શોધી નાખ્યું. એલ્યુમિનિયમ અને તાંબાને થોડા અંશે ભેદી શકતા.
આ પ્રયોગો દરમિયાન, જ્યારે રોન્ટજને કિરણોને રોકવા માટે પોતાનો હાથ, ટ્યુબ અને સ્ક્રીનની વચ્ચે મૂક્યો, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા! તેમણે સ્ક્રીન પર જોયું કે તેમના હાથના માંસના લોચા (નરમ પેશીઓ) માંથી કિરણો પસાર થઈ ગયા હતા અને તેનો આછો પડછાયો પડતો હતો, પરંતુ હાડકાંનો ઘાટો અને સ્પષ્ટ પડછાયો સ્ક્રીન પર દેખાતો હતો. આનાથી તેમને સમજાયું કે આ કિરણો નરમ ચામડી કે માંસને ભેદી શકે છે, પરંતુ કેલ્શિયમઅને ફોસ્ફરસથી બનેલા શરીરના કઠણ અને મજબૂત હાડકાંને ભેદી શકતા નથી.
છેવટે એ દિવસ અને એ મહાન ક્ષણ આવી જ્યારે આ શોધને પાક્કી કરવા માટે ૨૨ ડિસેમ્બર ૧૮૯૫ના રોજ તેમણે તેમની પત્ની અન્ના બર્થા ને લેબોરેટરીમાં બોલાવ્યા. તેમણે પત્નીનો હાથ એક ફોટોગ્રાફિક પ્લેટ પર રખાવ્યો અને તેના પર X-ray કિરણો ફેંક્યા. જ્યારે તે પ્લેટ ડેવલપ કરવામાં આવી, ત્યારે તેમાં બર્થાના હાથના હાડકાં અને આંગળીમાં પહેરેલી લગ્નની વીંટી (જે ધાતુની હતી અને કિરણો તેને પણ ભેદી શક્યા નહોતા) સ્પષ્ટ દેખાઈ આવ્યા. આ ફોટોગ્રાફ વિશ્વનો સૌથી પહેલો હ્યુમન એક્સ-રે બન્યો અને તબીબી ઇતિહાસમાં ક્રાંતિકારી શોધ થઇ.
એ વખતે એમ મનાતું કે જીવતા માણસના હાડકા જોવા અશક્ય છે. માણસ મૃત્યુ પામે પછી જ તેના હાડકા અન્ય કોઈ વ્યક્તિ જોઈ શકે. અન્ના બર્થા ખુબ ગભરાઈ ગયા હતા. તેમની તરતની પ્રતિક્રિયા હતી, ‘મેં મારું મૃત્યુ જોઈ લીધું છે.’
આજના દિવસની તેમની ક્રાંતિકારી શોધની યાદમાં દર વર્ષે આજના દિવસને એટલે ૮ નવેમ્બરને "વિશ્વ રેડિયોગ્રાફી દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. એ પછી તબીબી વિજ્ઞાન બદલાઈ ગયું કારણકે શરીરને ચિરફાડ કર્યા વિના અંદરના હાડકાની તકલીફો જાણી શકાતી. પછીના ૧૩૧ વર્ષમાં તો સોનોગ્રાફી તેમજ MRI ની શોધ થઇ જેના મૂળ ૦૮/૧૧/૧૮૯૫ ના દિવસે નખાયા હતા. હવે તો કેન્સરની સારવાર અને એરપોર્ટ પર સ્કાનીંગ મશીનમાં પણ રેડિઓલોજીનો ઉપયોગ થાય છે.
રોન્ટજન માનતા હતા કે તેમની આ શોધ સમગ્ર માનવજાતના કલ્યાણ અને તબીબી સારવાર માટે છે. જો તેઓ પેટન્ટ કરાવત, તો એક્સ-રે મશીન બનાવવું ખૂબ મોંઘું થઈ જાત અને ગરીબ દર્દીઓ તેનો લાભ ન લઈ શકત. તેમણે ઇચ્છ્યું કે દુનિયાના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો કોઈપણ રોયલ્ટી ચૂકવ્યા વિના આ ટેકનોલોજીનો મફતમાં ઉપયોગ કરે અને તેમાં વધુ સુધારો કરે.
આ શોધ બદલ તેમને ૧૯૦૧ માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ મળ્યો. દાનની રકમ પણ તેમણે પોતાની યુનિવર્સીટીને રીસર્ચ માટે આપી દીધી.
છેલ્લો બોલ :
જ્યારે લોકોને ખબર પડી કે આ કિરણો કપડાં અને ચામડીની આરપાર જઈ શકે છે, ત્યારે બજારમાં તેની ભારે માંગ નીકળી:
બૂટની દુકાનોમાં એક્સ-રે મશીન (Pedoscope):
૧૯૨૦ થી ૧૯૫૦ના દાયકા સુધી અમેરિકા અને યુરોપની બૂટની દુકાનોમાં 'પેડોસ્કોપ' નામના એક્સ-રે મશીન મૂકવામાં આવતા. ગ્રાહક નવું બૂટ પહેરીને પગ મશીનમાં મુકતો અને સેલ્સમેન એક્સ-રે દ્વારા જોતો કે બૂટ પગમાં બરાબર ફિટ બેસે છે કે નહીં. ખાસ કરીને બાળકો આ મશીનથી બૂટના માપ લેવાનું બહુ પસંદ કરતા.
જાદુઈ શો અને મેળાઓ:
મેળામાં લોકો પૈસા આપીને પોતાના હાથ કે પગના હાડકાં જોવાની મજા લેતા. તેને એક મનોરંજન અથવા જાદુઈ ખેલ ગણવામાં આવતો.
પછીથી X ray ના વધુ પડતા ઉપયોગની આડઅસર વિશે પણ ખબર પડી. તેનો ઉપયોગ જરુરી કામોમાં જ થવા લાગ્યો.
ડો. આશિષ ચોક્સી
(drashishchokshi.com)
