Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

૧૧/૧૦/૨૦૨૬  

લેખ નંબર =  ૧૫

જલસાનો માણસ

વાંચન સમય = ૫ મિનિટ

                  લગભગ ૧૯૯૦ ની આજુબાજુનો સમય હશે. વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના વહીવટી કામ માટે સિન્ડીકેટ સભ્યો અને અધિકારીઓ વચ્ચેની બેઠક ચાલી રહી હતી. બેઠકની વહીવટી ચર્ચા પૂરી થઇ ત્યારે વાતાવરણ થોડું ગંભીર હતું. ત્યારે ‘કવિ કુલપતિ’ તરીકે જાણીતા વાઈસ ચાન્સેલર એવા સુરેશભાઈ  દલાલે એક સુંદર કાવ્યપંક્તિ લલકારી. તરત જ વાતાવરણ હળવું થઇ ગયું.    

                                 ગુજરાતી ભાષાના કવિ, લેખક, શિક્ષક, વિવેચક, સંપાદક, નિબંધકાર, બાળ સાહિત્યકાર, ગઝલકાર અને કટાર લેખક એવા સુરેશભાઈ દલાલની આજે ૯૫ મી જન્મતિથી છે.  તેઓ કહેતા, ‘મારી સાહિત્યની સફર મારી માતા સાથે થઇ હતી. તેની પાસે  શબ્દભંડોળ, કહેવતો અને રૂઢીપ્રયોગોનો ખજાનો હતો.’

              તેમણે  મુંબઈ યુનિવર્સિટીમાંથી 'ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્ય' વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી હતી. બાળકો માટેની હાસ્ય કવિતાઓથી શરુ કરી પ્રાચીન કાવ્યો પરના નિબંધો લખવાની તેમની વાઈડ લેખન રેંજ હતી.  વિવિધ વિષયો પર ૧૧૦ જેટલા પુસ્તકોની વાચકોને તેમજ સમાજને ભેટ આપી.

               ‘શબ્દોના માણસ’ સુરેશભાઈ પોતાને મળતી દરેક વ્યક્તિના જીવનમાં કવિતાનો રંગ ભરતા. તેઓ માનતા કે,  ‘આપણું વાંચેલું ત્યારે જ સાર્થક થયેલું ગણાય જ્યારે આપણી સાથે સંકળાયેલા બધા વાંચતા થઇ જાય.’

                          તેમને મળતા દરેક માણસને થોડીક મિનિટોમાં જ પોઝીટીવ વાઈબ્રેશનનો અનુભવ થતો આથી લોકો તેમને ‘જલસાનો માણસ’ કહેતા. ગુજરાતી લેખનક્ષેત્રે એક પણ વિભાગ  એવો નથી  જ્યાં સુરેશભાઈ પહોંચ્યા ના હોય. મિત્રો સાથે અને મિત્રો માટે તેમણે ગોઠવેલી કાવ્યમય મહેફિલો મિત્રોના સંસ્મરણોમાં અમર થઇ જતી. તેઓ હંમેશાં કહેતા: "તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ."

      સુરેશ દલાલના દીકરીએ તેમના પિતાના સાહિત્ય સમર્પણ માટે કહ્યું, ‘અમારું ઘર જેટલી ઇંટોથી બન્યું હશે તેના કરતા ઘરમાં પુસ્તકોની સંખ્યા વધુ હશે. પપ્પા તેમના સંપર્કમાં આવતા દરેકને વાંચતા અને લખતા કરી દેતા. તેમણે શરૂ કરેલા ઈમેજ પબ્લિકેશનમાં તેઓ મિત્રો અને સગા પાસેથી વાર્ષિક ૧૦૦૦ રૂ લેતા અને ૧૫૦૦ ના પુસ્તકો આપતા.’

       “લીલ લપાઇ બેઠી જળને તળિયે,

સૂર્યકિરણને એમ થયું કે લાવ  જઈને    મળીએ .” ……….સુરેશ દલાલ

તેમણે પોતાના માટે કહ્યું,  “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે.” તેઓ  શબ્દને ભગવાન (બ્રહ્મ) સમાન ગણતા. તેઓ કહેતા કે જ્યારે કોઈ કવિ સાચા હૃદયથી શબ્દની આરાધના કરે છે, ત્યારે જ ઉત્કૃષ્ટ સાહિત્યનું સર્જન થાય છે.

                  ઘણા ગુજરાતી તેમજ હિન્દી સાહિત્યકારો અને કવિઓ તેમના મિત્રો હતા.  કવિ હરીન્દ્રદવે તેમના ભાઈ સમાન હતા. હરીન્દ્ર દવેના નિધન વખતે સુરેશભાઈએ કહ્યું, ‘મેં મારો સાહિત્યિક ભાઈ અને વિસામો ગુમાવ્યો છે.’

          તેમનો અને મોરારીબાપુનો વચ્ચેનો સંબંધ માત્ર કવિ અને કથાકાર પૂરતો સીમિત ન રહેતા, બે ઉત્કૃષ્ટ હૃદયની મૈત્રીનો ઉત્સવ હતો. તેઓનું મિલન એટલે સાહિત્ય અને સંસ્કૃતિનું મિલન. તેઓની વિદાયને (૧૦/૦૮/૨૦૧૨) મોરારીબાપુએ પોતાની ‘અંગત ખોટ’ ગણાવી.

             લગભગ ૨૦૦૧ ની સાલ હશે. અમદાવાદમાં આ લેખ લખનારે રાજપથ ક્લબમાં સુરેશભાઈની લાઈવ સાહિત્યિક સફર માણી હતી. ગુજરાતી ભાષાના કોઈ પણ શબ્દ પર તેઓ કવિતા બોલી શકતા. કવિતામાં રહેલા વ્યંગથી શ્રોતાઓને સતત ત્રણ કલાક હસાવ્યા હતા.

છેલ્લો બોલ :

            એક વખત પુ. મોરારિબાપુએ સુરેશભાઈને પૂછ્યું, ‘મુંબઈની ભાગદોડ અને કોલાહલ વચ્ચે પણ તમે  કાવ્યસાધના કેવી રીતે કરી શકો છો?”

          સુરેશભાઈએ  જવાબ આપ્યો હતો કે, "માણસ પોતાની અંદર એકાંત ઊભું કરી લે, તો બહારનો ઘોંઘાટ તેને ક્યારેય નડી શકતો નથી."

‘તારા સ્મિતમાં મને મારો રસ્તો જડે.

તું સામે હોય ત્યારે મને ઈશ્વર જડે.’    

………………… સુરેશભાઈ દલાલ.

ડો. આશિષ ચોક્સી

(drashishchokshi.com)

Leave a comment

0.0/5

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!