૦૯/૦૮/૨૦૨૬
લેખ નંબર = ૬
વિશ્વપ્રસિદ્ધ ઈમારતનો ઇતિહાસ
વાંચન સમય = ૪ મિનિટ
૧૯૪૩ માં બીજા વિશ્વયુદ્ધ વખતે ઇટાલીમાં આવેલ એક ૫૬ મીટર ઊંચી ઈમારત માટે અમેરિકન સૈન્યને શંકા ગઈ કે જર્મન સૈનિકો આ ઊંચા મિનારાનો ઉપયોગ દુશ્મનો પર નજર રાખવા માટે કરી રહ્યા હોય.
અમેરિકન સૈન્યને આ ટાવર પર બોમ્બમારો કરીને તેને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મિનારા પર હુમલો કરવા માટે મોકલવામાં આવેલા ૨૩ વર્ષના અમેરિકન સૈનિક લિયોન વેકસ્ટેઈન જ્યારે ત્યાં પહોંચ્યા, ત્યારે તેઓ આ ઈમારતની અદભુત સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે હુમલો કરવાને બદલે રાહ જોવાનું નક્કી કર્યું. આ દરમિયાન જર્મન સૈન્ય ત્યાંથી પીછેહઠ કરી ગયું અને આ ભવ્ય ઐતિહાસિક ધરોહર વિનાશમાંથી બચી ગઈ.
આ ઈમારત એટલે ઈટાલીમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ પીઝાનો ઢળતો મિનારો ગ્રીક ભાષામાં pisa એટલે નરમ અથવા ચીકણી માટી. આ વિસ્તાર pisa તરીકે ઓળખાતો. મિનારાનું બાંધકામ ૮૫૩ વર્ષ પહેલા આજના દિવસે શરુ થયું હતું. (૦૯/૦૮/૧૧૭૩).
૧૧૭૮ માં ઈટાલીમાં આંતરિક યુધ્ધો થયા જેને પરિણામે ત્રીજા માળ પછીનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું. એ વખતે જ મિનારો થોડો ઢળી ગયો હતો. ૧૦૦ વર્ષ પછી ફરી બાંધકામ ચાલુ થયું ત્યારે મિનારાની નીચેની માટી સાથે મિનારાનું વજન સેટ થઇ ગયું. જો બાંધકામ સતત ચાલુ રહ્યું હોત તો મિનારો તૂટી ગયો હોત તેવું નિષ્ણાતો માને છે.
બાંધકામ પૂરું થતા કુલ ૨૦૦ વર્ષ લાગ્યા હતા. ૭ માળ અને ૩૦૦ પગથિયા ધરાવતા મિનારાનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે મિનારો ૧.૫ ડીગ્રી ઢળેલો હતો જે પછીના ૬૦૦ વર્ષમાં મિનારાનો ઝુકાવ ૫.૫ ડીગ્રી સુધી થઇ ગયો. ૧૯૯૦ થી ૨૦૦૧ દરમ્યાન ઘણી ઈજનેરી મરામત પછી મિનારાનો ઝુકાવ થોડો ઘટાડી શકાયો. તે હવે ૪ ડીગ્રી ઢળેલો છે અને હવે વધુ ઢળે નહીં તેવા પગલા લેવાયેલા છે.
ઈ.સ ૧૫૮૯ થી ૧૫૯૨ વચ્ચે પિસા યુનિવર્સીટીમાં ગણિતના પ્રોફેસર તરીકે ગેલેલીઓની નિમણુક થઇ. આ વખતે ઘણા બૌધિકોની હાજરીમાં ગેલિલિયોએ મિનારાની ટોચ પરથી અલગ-અલગ વજન ધરાવતા બે ગોળાઓ એકસાથે નીચે ફેંક્યા, બંને ગોળાઓ એક જ સમયે જમીન પર પડ્યા હતા. આ પ્રયોગથી સાબિત થયું કે પદાર્થ ગમે તેટલો ભારે કે હલકો હોય, તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ સમાન હોય છે અને તે એક જ ઝડપે નીચે પડે છે.
છેલ્લો બોલ
ગયા વર્ષે આજના દિવસે (૦૯/૦૮/૨૦૨૫) એશિયાની સૌથી મોટી ૪.૫ કિમી લાંબી ભારતની માલગાડી ‘રુદ્રાક્ષ’ મોગલસરાઈ જંક્શનથી ધનબાદના ફૂલબસિયા સ્ટેશન સુધીનું ૪૦૦ કિમીનું અંતર ૧૪ કલાકમાં કાપી ભારતીય રેલ્વેમાં ઇતિહાસ રચ્યો. રુદ્રાક્ષ માલગાડી સાત એંજીન, ૩૫૪ વેગન અને ૪.૫ કિમી લાંબી છે.
ડો.આશિષ ચોક્સી
(drashishchokshi.com)
