૧૮/૧૦/૨૦૨૬
લેખ નંબર = ૧૬
સર્વકાલીન મહાનતાની સફર
વાંચન સમય = ૭ મિનિટ
કોઈ વ્યક્તિનો દેશ નિકાલ થાય. તેને દેશદ્રોહી ગણવામાં આવે પછી તે જ દેશ દ્વારા ૫૦ વર્ષ પછી તે વ્યક્તિને તે દેશનું વિશ્વમાં ગૌરવ વધારવા બદલ દેશનો સર્વોચ્ચ એવોર્ડ આપી સન્માન કરાય તો આ ૫૦ વર્ષ દરમ્યાન તેની જર્ની કેટલી સંઘર્ષભરી, ચઢાવ ઉતારવાળી અને મહાન હશે.
જેનું સમગ્ર જીવન રમત, અડગ મનોબળ, મિત્રતા, સંઘર્ષ, માનવ અધિકારો માટેની લડાઈ અને દેશપ્રેમ સાથે જોડાયેલું છે તેવા ટેનિસના મહાન મહિલા ખેલાડી માર્ટીના નવરાતીલોઆની આ વાત છે. આજે તેમનો ૭૧ મો જન્મ દિવસ છે. (૧૮/૧૦/૧૯૫૬).
તેમનો જન્મ થયો તે દેશ ચેકોસ્લોવાકિયામાં ૧૯૭૫ માં કમ્યુનિસ્ટ શાસન હતું. ત્યાંની સરકાર તેમના ટેનિસ કરિયર, પ્રવાસો અને અંગત સ્વતંત્રતા પર ખૂબ નિયંત્રણો રાખતી હતી, જેનાથી ટેનિસમાં પોતાનું વિશ્વ કક્ષાએ નામ થાય તે મહત્વકાંક્ષા ચેકોસ્લોવેકિયામાં પૂરી થાય તેવું તેમને લાગતું ન હતું. ૧૯ વર્ષની ઉંમરે તેઓ US ઓપન રમવા માટે અમેરિકા જવા પ્લેનમાં બેઠા ત્યારે જ નક્કી કર્યું હતું કે હવે તેઓ પોતાના દેશમાં પાછા નહીં ફરે. અમેરિકામાં ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદશન કરી સેમીફાઈનલ સુધી પહોંચ્યા.
તેમણે અમેરિકામાં રાજ્યાશ્રય માંગ્યો. બીજા દિવસના છાપાઓમાં સમાચાર હતા કે અમેરિકાએ ભવિષ્યની મહિલા ટેનિસ સુપરસ્ટારને રાજ્યાશ્રય આપ્યો છે. ચેકોસ્લોવેકિયામાં તેના માતાપિતા અને બહેનનો સામાજિક બહિષ્કાર થયો. છાપામાં કે ટીવી પર માર્ટીનાના કોઈ જ ન્યુઝ આપવા પર પ્રતિબંધ હતો.
દેશ અને પરિવારથી છુટા પડ્યાના શારીરિક, માનસિક અને કૌટુંબિક દબાણો છતાં બીજા ત્રણ વર્ષમાં તેમણે ફીટનેસ અને ડાયેટ માટે પ્રોફેશનલ એક્સપર્ટની મદદ લઇ મન અને શરીરથી ફિટનેસ મેળવી. ટેનિસમાં સ્પીડ મેળવવા સ્કીઈંગ અને બાસ્કેટ બોલ પર પ્રભુત્વ મેળવ્યું. અમેરિકામાં શરૂઆતના દિવસોમાં અંગ્રેજી ભાષા આવડતી ના હોવાથી પારાવાર તકલીફ પડી. અમેરિકામાંથી પરિવાર સાથે વાત કરવા કોમ્યુનિષ્ટ દેશમાં ફોન કરવો પણ તે વખતે ખુબ મુશ્કેલ હતું.
૧૯૭૮ માં માર્ટીના વિમ્બલડન રમવા બ્રિટન પહોંચ્યા. ચેક સરકારે તેમના માતાપિતાને બ્રિટન જવા પરવાનગી આપી નહીં. ટુર્નામેન્ટમાં માર્ટીના શાનદાર પ્રદશન કરી ફાયનલ મેચ સુધી પહોંચ્યા. ચેકોસ્લોવેકિયામાં ટીવી પર પ્રતિબંધ હોવાથી તેમના માતાપિતાએ ગુપ્તરીતે જર્મન બોર્ડર પર જઈ પોતાની દીકરીને વિમ્બલ્ડન ફાયનલ જીતતા જોઈ.
પ્રથમ વિમ્બલડન જીત્યા પછી બ્રિટિશ શાહી પરિવારના સભ્ય કેથરીન ડચેઝ ઓફ કેન્ટના હાથે તેમણે ટ્રોફી સ્વીકારી. કેથરીન ડચેઝે જાણ્યું કે તેમના માતાપિતાને બ્રિટન આવવા માટે ચેક સરકારે પરવાનગી નથી આપી. બીજા વર્ષે ૧૯૭૯ ની વિમ્બલ્ડન ફાયનલ વખતે કેથરીન ડચેઝે પોતાના રાજદ્વારી સબંધોનો ઉપયોગ કરી ચેક સરકાર પર દબાણ લાવી તેમની માતાને બ્રિટનના વિઝા અપાવ્યા.
ફરીથી માર્ટીના ફાયનલમાં પહોંચ્યા. ફાયનલ મેચના આગલા દિવસે તેમની માતા લંડન આવી શક્યા. માર્ટીના તેમને ચાર વર્ષ પછી મળ્યા. ફાયનલ મેચમાં માતાની હાજરીને કારણે તેઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી મેચ જીત્યા. ૧૯૮૧ માં સત્તાવાર રીતે માર્ટીનાને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું.
૧૯૮૬ માં તેઓ અમેરિકાની ટીમ તરફથી ફેડરેશન કપ રમવા પોતાના મૂળ વતન ચેકોસ્લોવેકિયા આવ્યા. ૧૯૭૫ માં જે મેળવવા તેમણે દેશ અને પરિવાર છોડ્યો હતો તે સ્વપ્ન હવે તેઓ સિદ્ધ કરી ચુક્યા હતા. ૧૯૮૬ માં તેઓ વિશ્વના નંબર ૧ મહિલા ટેનિસ ખેલાડી તરીકે પોતાના મૂળ દેશ પહોંચ્યા. તેઓ જ્યાં જાય ત્યાં ભીડ એકઠી થઇ જતી હતી. પોતાના બાળપણના ઘર અને બાળપણમાં રમેલ ટેનિસ કોર્ટની મુલાકાત તેમણે લીધી.
આ કપની ફાયનલ મેચ પહેલા જ્યારે ચેકોસ્લોવેકિયાનું રાષ્ટ્રીય ગીત વાગતું હતું ત્યારે તેમની આંખમાં આવેલ આંસુની નોંધ મીડિયાએ લીધી હતી. હવે સંપૂર્ણપણે અમેરિકન બની તેઓ ફાયનલ મેચ રમ્યા. ચેક પ્રેક્ષકો માટે માર્ટીના હવે વિરોધી દેશના કહેવાય છતાં તેઓએ માર્ટીનાને સપોર્ટ આપ્યો. પોતાના માટેના તાળીઓના ગડગડાટ વચ્ચે ચેકોસ્લોવેકિયાની નંબર ૧ મહિલા ખેલાડીને હરાવી અમેરિકન ટીમને માર્ટીનાએ વિજેતા બનાવી.
માર્ટીનાની ટેનિસ સિદ્ધિઓને ટુંકાણમાં જોઈએ તો ૯ વખત વિમ્બલ્ડન ટાઈટલ જીત્યા. ૫૯ વખત ગ્રાંડ સ્લેમ ટાઈટલ જીત્યા. ઓપન એરામાં સૌથી વધુ ૧૬૭ સિંગલ્સ અને ૧૭૭ ડબલ્સ ટાઇટલ જીતવાનો ઓલ-ટાઇમ રેકોર્ડ તેમના નામે છે. વર્ષ ૧૯૮૪માં તેમણે સતત ૭૪ મેચો જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ કોઈ તોડી શક્યું નથી.
૨૦૦૬ માં ૫૦ માં વર્ષે US ઓપનની મિક્ષ ડબલ્સની ફાયનલ જીતી ટેનિસ ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરે કોઈ પણ ગ્રાંડ સ્લેમ ટાઈટલ જીતવાનો અજેય રેકોર્ડ બનાવી ૩૦ વર્ષની ભવ્ય કારકિર્દી પછી શાનદાર રીતે ટેનિસ કોર્ટમાંથી રીટાયર્ડ થયા. રીટાયર થયા પછી કોચ અને કોમેન્ટેટર તરીકે સેવા આપી. માનવ અને પ્રાણીઓ માટેના અધિકારો માટે વૈશ્વિક સ્તરે અવાજ ઉઠાવ્યો. ઘણા હેલ્થ અવેરનેસ લેખો અને લેકચર આપ્યા.
૧૯૮૯ માં ચેકોસ્લોવેકિયા સામ્યવાદ છોડી લોકશાહી દેશ બન્યો. હવે ત્યાં માર્ટીનાની સિદ્ધિઓ અને તેના સમાચારો મુક્ત રીતે પ્રગટ થતા હતા. ૨૦૦૮ માં માર્ટીનાએ પોતાના મૂળ વતન સાથેનો નાતો ચાલુ રાખવા અમેરિકાનું નાગરિકત્વ ચાલુ રાખી ચેકોસ્લોવેકિયામાં નાગરિકત્વ મેળવવા અરજી કરી પોતાના મૂળ વતનનું નાગરિકત્વ ફરી મેળવ્યું.
૨૦૧૦ અને ૨૦૨૨ એમ બે વખત કેન્સર થયા અને તેને મહાત આપી. ૨૦૨૨ માં તેમની પ્રતિસ્પર્ધી અને ખાસ મિત્ર ક્રીસ એવર્ટને પણ કેન્સર થયું હતું. બન્નેએ એકબીજાને સાથ આપી, હિમત આપી કેન્સર પર કાબુ મેળવ્યો. તે પછી મહિલાઓને કેન્સરના વહેલા નિદાન માટે જાગૃત કર્યા.
તેમની અને ક્રીસ એવર્ટની મિત્રતાની વાતો અજોડ હતી. તેમણે કહ્યું, ‘જો ક્રીસ ના હોત તો ટેનિસમાં હું આટલી આગળ ના આવી શકી હોત. ટેનિસ કોર્ટમાં મને શ્રેષ્ઠ હરીફ મળી જેથી હું આટલું શ્રેષ્ઠ ટેનિસ રમી શકી અને જીવનમાં મને શ્રેષ્ઠ મિત્ર મળી જેથી હું કેન્સરને માત આપી શકી.’
આજથી એક વર્ષ પહેલા ૨૮/૧૦/૨૦૨૫ નો દિવસ ચેકોસ્લોવેકિયાનો ૧૦૭ મો સ્વાતંત્ર્ય દિવસ હતો. દેશના સર્વોચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓની હાજરીમાં સેનેટ પ્રમુખે માર્ટીનાને દેશનો સર્વોચ્ચ એવોર્ડ ‘ઓર્ડર ઓફ ધ વ્હાઇટ લાયન’ આપતા કહ્યું, ’૫૦ વર્ષથી માર્ટીનાએ પોતાના મૂળ દેશ વિરુદ્ધ ક્યારેય કડવાશ વ્યક્ત કરી નથી. આ એવોર્ડ તેમની ટેનિસની સિદ્ધિઓ માટે નથી. એક પાંજરું તોડી મુક્ત આકાશમાં ઉડવાની શક્તિ અને હિમત માટેનો છે.’
(માહિતી : ‘ક્રીસ એન્ડ માર્ટીના – ધ ફાયનલ સેટ’ ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ ઈન્ટરનેટ)
આ ડોકયુમેન્ટરીના એક સીનમાં બન્ને મહાન મહિલા ટેનિસ પ્રતિભાઓ સાથે બેસી પોતાની જૂની મેચો જોતા હતા. માર્ટીનાએ ક્રીસ એવર્ટને કહ્યું, ‘હું ૯ વખત વિમ્બલડન જીતી, તું માત્ર ૩ વખત જીતી.’ ક્રીસ એવર્ટ જવાબ આપે છે, ‘હું ૭ વખત ફ્રેંચ ઓપન જીતી તું માત્ર ૨ વખત જીતી.’ ત્યારબાદ હસીને એકબીજાને તાલી આપે છે. આવી હતી બન્નેની સર્વકાલીન મિત્રતા.
ડો. આશિષ ચોક્સી
(drashishchokshi.com)
