૦૩/૦૫/૧૯૯૯ : લેહનું બટાલીક ક્ષેત્ર. ગારકુન ગામ.
જશવંતસિંહ નામગ્યાલ નામના એક ભરવાડનું યાક ખોવાઈ ગયું હતું. તે પોતાના યાકને શોધવા બટાલીક ક્ષેત્રમાં ઘણો આગળ નીકળી ગયો. ઊંચી પહાડીઓમાં તે દૂરબીનથી પોતાના યાકને શોધતો હતો. તેના આશ્ચર્ય વચ્ચે તેને પાકિસ્તાની સૈનિકો બરફ હટાવતા અને ખોદકામ કરતા નજરે ચઢ્યા. આ વિસ્તાર ભારતની સીમામાં આવતો હતો. તેણે તરત નજીકની લશ્કરી ચોકીમાં ભારતીય લશ્કરી અધિકારીઓને જાણ કરી.
૧૦/૦૫/૧૯૯૯ થી પાકિસ્તાની સૈનિકોને પાછા ખસેડવા ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ શરુ કર્યું જે ‘કારગિલ યુદ્ધ’ તરીકે ઓળખાયું. ૮૪ દિવસ, ૫૨૭ જવાનોની શહિદી અને ૧૩૦૦ જવાનોને ગંભીર ઈજા સાથે ૨૬/૦૭/૧૯૯૯ એટલે આજના દિવસે સેનાનું કાર્ય પૂર્ણ થયું.
૧૯૩૧ : લંડન.ગાંધીજી અહીં ગોળમેજી પરિષદ માટે આવ્યા હતા. તેમની મુલાકાત એક વિશ્વ પ્રસિદ્ધ
વ્યક્તિ સાથે ગોઠવાઈ હતી.. બન્ને સામસામે ખુરશીમાં ગોઠવાયા પછી તે વ્યક્તિએ જોયું કે ગાંધીજી ગાદીવાળી મોટી ખુરશી પર અસ્વસ્થતાપૂર્વક બેઠા હતા. તેમણે તરત જ ગાંધીજીને પૂછ્યું કે, ‘શું તમે હંમેશા બેસો છો તેમ જમીન પર બેસવાનું પસંદ કરશો?’ ત્યારબાદ બન્ને સાથે જમીન પર બેસી ગયા અને બંને વચ્ચે તુરંત જ આત્મીયતા બંધાઈ ગઈ.
દુનિયાની બે જ વ્યક્તિઓ હજુ સુધી નોબેલ પ્રાઈઝ અને ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત કરી શકી છે તેમાંના એક જ્યોર્જ બર્નાડ શો. તેમની મુલાકાત ગાંધીજી સાથે ગોઠવાઈ હતી. તેમની આજે ૧૭૧ મી જન્મજયંતિ છે. (૨૬/૦૭/૧૮૫૬)
ઇંગ્લેન્ડમાં તેઓએ તેમના ઘરના બગીચામાં નાની કેબિનનું નામ ‘લંડન’ રાખ્યું હતું. ઘરમાં ઘણા લોકો મળવા આવી લેખનકાર્યમાં ખલેલ પાડતા. તેઓ જ્યારે કેબિનમાં (લંડનમાં) પોતાનું કાર્ય કરતા ત્યારે ઘરમાંથી જવાબ અપાતો તેઓ ‘લંડન’માં છે. તે ખોટું બોલ્યા તેમ પણ ના કહેવાય. આ કેબિનમાં તેઓએ ૪૦ વર્ષ સુધી લેખનકાર્ય કર્યું. ઘણા જગ પ્રસિદ્ધ નાટકોનો વિચાર શો ને અહીંથી આવ્યો હતો. (ઓસ્કાર અને નોબેલ પ્રાપ્ત કરનાર બીજી વ્યક્તિ અમેરિકન સિંગર બોબ ડાયલન)
છેલ્લો બોલ :
‘જે વ્યક્તિઓ હસવામાં કંજુસાઈ કરે છે તે વ્યક્તિઓ ઝડપથી વૃદ્ધ થાય છે.’
………….. જ્યોર્જ બર્નાડ શો
ડો.આશિષ ચોક્સી
