અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત કરી ભારતીયોને સ્વાતંત્ર્યતાનો વિચાર આપનાર તેમજ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની ગણાય છે તેવા ક્રાંતિકારી મંગલ પાંડેની ૨૦૦ મી જન્મજયંતિનું હવેનું વર્ષ છે. (જન્મ : ૧૯/૦૭/૧૮૨૭). ચરબીવાળી કારતુસને દાંતથી ખોલવાના વિરોધ અને બ્રિટિશ અધિકારીઓ પર બોંબ ફેંકવાને કારણે ૧૮૫૭ માં તેમને ફાંસીની સજા અપાઈ હતી.
૧૯/૦૭/૧૯૬૯ : મધ્યરાત્રે આશરે ૧.૨૫ નો સમય. સુએઝ અખાત પાસેનો ગ્રીન આઈલેન્ડ. ઈજિપ્ત ઈન્ટેલીજન્સનું અહીં થાણું હતું. ૧૦૦ સૈનિકો સાથે અભેધ કિલ્લેબંધી હતી. અહીં ઓપરેશન બ્લ્મસ (અન્ડર વોટર) અને ઓપરેશન બોક્સર (એર સ્ટ્રાઈક) દ્વારા ઇઝરાયેલે ઈજિપ્તના ૮૦ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા.
ઈજિપ્તના અર્લી-વોર્નિંગ રડાર અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સ્ટેશનનો નાશ કર્યો. ઇઝરાયેલના નૌકાદળના કમાન્ડોએ ઈજિપ્તની સુરક્ષાચોકીઓના ચક્રવ્યૂહને ભેદી ગ્રીન આઈલેન્ડ પર તબાહી મચાવી દીધી.
ઈજિપ્તે ઇઝરાયલ પર બે વર્ષ પહેલા હુમલો કરી તેના ૭ કમાન્ડર મારી નાખ્યા હતા તેનો ઇઝરાયેલે બદલો લીધો. ઈજિપ્તની લશ્કરી તાકાતનું મનોબળ તોડતા આ સમાચારે બીજા દિવસે વિશ્વભરના સમાચાર પત્રોમાં પ્રથમ પાને સ્થાન લીધું. પરંપરાગત યુદ્ધને બદલે રાત્રે અંધારામાં દુશ્મનના ઘરમાં ઘુસી તબાહી મચાવવાની ઇઝરાયલની પદ્ધતિની દુનિયાભરમાં ચર્ચા થઇ.
અહી ભારતમાં એ દિવસે અલગ પરિસ્થિતિ હતી. ત્રણ દિવસ પહેલા જ (૧૬/૦૭/૧૯૬૯ ના દિવસે) મોરારજી દેસાઈએ કોંગ્રસ પ્રધાનમંડળમાંથી નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. વડાપ્રધાન ઇન્દિરાગાંધીએ નાણાખાતું પોતાને હસ્તક લીધું.
ત્રણ દિવસ પછી એટલે આજના દિવસે (૧૯/૦૭/૧૯૬૯) ઇન્દિરાગાંધીએ ભારતની મુખ્ય ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાષ્ટ્રીયકરણની અસરો આવનાર દિવસોમાં શું હશે, તેના વિશેની માહિતી ભારતના સમાચારપત્રોમાં મુખ્ય હતી.
૧૯૮૩ ના ક્રિકેટ વર્લ્ડકપમાં બધા જ મોહિન્દર અમરનાથને, કપિલદેવને કે યશપાલ શર્માને યાદ કરશે. પણ તમને ખબર છે આખી ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ ૧૮ વિકેટો કોણે લીધી હતી? ફાયનલ મેચમાં ક્લાઈવ લોઈડને આઉટ કરી જીતનો રસ્તો સરળ બનાવી દેનાર રોજર બિન્નીએ ટુર્નામેન્ટની વધુમાં વધુ ૧૮ વિકેટો લીધી હતી. આજે તેમનો જન્મદિવસ છે. (૧૯/૦૭/૧૯૫૫).
છેલ્લો બોલ : ૧૯૮૬ માં અને ૨૦૧૪ માં ભારત લોર્ડ્સના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ જીત્યું હતું. બન્નેમાં ટેસ્ટમાં બિન્ની હતા. ૧૯૮૬ માં રોજર અને ૨૦૧૪ માં તેમના દીકરા સ્ટુઅર્ટ. બન્નેએ પ્રથમ ઇનિંગમાં ૯ રન કર્યા હતા. બન્ને ૧૯ બોલ રમ્યા હતા. બન્ને LBW આઉટ થયા હતા.
ડો.આશિષ ચોક્સી
