૧૯૫૨ : ફેબ્રુઆરી મહિનો :
મુબઈનું ન્યુ એમ્પાયર થિએટર.
પહેલી વખત ભારતમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન થયું હતું. ભારતના બંગાળી – હિન્દી ફિલ્મોના એક દિગ્દર્શકે આ ફેસ્ટીવલમાં ઇટાલીની એક ફિલ્મ ‘સાયકલ થીવ્સ’ જોઈ. આ ફિલ્મની વાર્તામાં એક ગરીબ મજુર પિતા – પુત્રનો રોમની ગલીઓમાં પોતાની ખોવાયેલી સાયકલ શોધવા માટેનો સંઘર્ષ બતાવવામાં આવ્યો હતો. સાયકલ મળે તો જ તેમની આજીવિકા અને જીવન ટકી શકે એમ હતું.
આ ફિલ્મ જોઈ મુંબઈની લોકલ ટ્રેનમાં પોતાની ટીમ સાથે ઘેર જતા દિગ્દર્શકે આ પ્રકારની ફિલ્મ હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું. તેમણે ફિલ્મ બનાવી. ગંભીર આર્થિક અને સામાજિક દબાણ હેઠળ પિતાપુત્રની હ્રદયદ્રાવક વાર્તા ધરાવતી ફિલ્મ ‘દો બીઘા જમીન’ ને ૧૯૫૪ માં ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા. તેના ડાયરેક્ટર એટલે બિમલરોયની આજે ૧૧૮ મી જન્મજયંતિ છે.
(૧૨/૦૭/૧૯૦૯) બિમલ રોયે સાબિત કર્યું કે ફિલ્મને સફળ બનાવવા ગ્લેમરસ સ્ટાર, મેગા સેટ કે મોટા બજેટ જરુરી નથી પણ માનવ સત્ય ધરાવતી સારી વાર્તાની જરૂર હોય છે.
૧૯૭૮ નું વર્ષ.
ગુજરાતી વાચકોને ગુજરાતીમાં થ્રિલ, જાસુસી, રહસ્ય, શૈક્ષણિક સમજ, પાત્રોનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ અને સ્ત્રી પાત્રને કેન્દ્રસ્થાને રાખી શરૂઆતથી અંત સુધી જકડી રાખે તેવી મેગા હિટ નવલકથા મળી – લજ્જા સન્યાલ.
ગુજરાતી વાચકો આવા ગતિશીલ રોમાંચક વાંચનના ભૂખ્યા જ હતા. પછીના વર્ષોમાં ગુજરાતી વાચકોને આશ્કા માંડલ, નિરજા ભાર્ગવ, શૈલજા સાગર, ઓથાર અને આખેટ જેવી ૧૨ સુપરહિટ નવલકથાઓની ભેટ આપનાર તેમજ તીક્ષ્ણ ભાષા કૌશલ્ય ધરાવતા મનોવિજ્ઞાનમાં સ્નાતક એવા લેખક અશ્વિની ભટ્ટની આજે ૯૧ મી જન્મ જયંતિ છે.
(૧૨/૦૭/૧૯૩૬).વ્યવસાયિક નિષ્ફળતાઓના સમયમાં પણ તેમણે દેશ -વિદેશના લેખકોનું વાંચન ચાલુ રાખ્યું તે શોખ અશ્વિની ભટ્ટ માટે મોટી સંપત્તિ બન્યો.
છેલ્લો બોલ :
પુનાના કેતન અગરવાલ – સિયા ગોયેલ કેસમાં સિયા ગોયેલનું પોલીસ સમક્ષ નિવેદન ખુબ આઘાતજનક હતું. ‘મને મારા માતાપિતાને સાચી વાત કહેવી અઘરી લાગી પણ કેતનને રસ્તામાંથી દુર કરવો સરળ લાગ્યું.’
માતાપિતાએ નાનપણથી જ પોતાના સંતાનો સાથે સુખદુઃખ, સફળતા – નિષ્ફળતા, દરેક વસ્તુ ના પણ મળે, સબંધો તૂટી પણ શકે જેવી બાબતોનો સમયસર સંવાદ કરવો જોઈએ.
જો માતાપિતા અને બાળકો વચ્ચે આવા સંવાદનો અભાવ હોય તો ભવિષ્યમાં બન્નેએ પોલીસો સાથે સંવાદ કરવો પડે તેવું બની શકે.
ડો.આશિષ ચોક્સી
