મુલાકાતી નંબર: 430,120

Ebook
બાળકને સંસ્કાર
માતાપિતાના સંસ્કાર પ્રસંગ બહુ નાનો છે પણ ખુબ સરસ સંદેશો આપી જાય છે. ૧૬ વર્ષનો મંથન ૧૨ માં ધોરણની નીટની પરીક્ષાની તૈયારી માટે શહેરમાં તેના દાદા-દાદીના ઘરે રહેતો હતો. તેના માતા-પિતા સૌરાષ્ટ્રમાં નાની જગ્યાએ રહેતા હતા. મંથનને નીટમાં સારો સ્કોર કરી તબીબી શાખામાં આગળ ભણવાની ઈચ્છા છે. જે બાળકને લેઇટ ટીન એઈજ (૧૭ થી ૧૯ વર્ષ)ના સમયમાં દાદા-દાદી સાથે રહેવા મળે તે બાળક ખરેખર તો નસીબદાર ગણાય. માતાપિતા પાસે અત્યાર સુધીમાં બાળક જે શીખ્યો છે અને જે સંસ્કાર મેળવ્યા છે તેને વ્યવહારમાં કેવી રીતે મૂકી શકાય તેની ઉત્તમ સમજણ દાદા-દાદી સિવાય કોઈ આપી શકે નહીં. દાદા-દાદી અને પૌત્ર બંનેને એકબીજાનો સુંદર સથવારો મળી ગયો. આમ પણ અનુભવનું ભાથું ધરાવતા દાદા-દાદી જેવા વડીલોના શ્રેષ્ઠ મિત્રો તેમના પૌત્ર-પુત્રીઓ જ હોય છે. બંને પક્ષે નિસ્વાર્થભાવે હંમેશા એકબીજાને કઈક કહેવું હોય છે, કઈક આપવું હોય છે. દાદા-દાદી સાથે મંથનનો શ્રેષ્ઠ સમય જતો હતો. મંથન દાદા-દાદીનું સરસ ધ્યાન રાખતો. તેમની દવા તેમજ ઘરમાં કઈક ખૂટતી વસ્તુઓ તે લાવી આપતો. સ્કુલ-ક્લાસની વિવિધ વાતો તે કરતો તો દાદા-દાદીને ખુબ મઝા આવતી. મંથનના પપ્પાને ભણાવવું કેટલું સરળ હતું તેવી ટકોર પણ ક્યારેક દાદા કરતા. દાદી પણ મંથનનો વાંચવાનો, ઉઠવાનો તેમજ નાસ્તાના ટાઈમનું ખુબ ધ્યાન રાખતા. દાદા મંથનને ક્યારેક તેના ઉઠવાના અને ટી.વી જોવાના સમયને અનુલક્ષીને હળવી ટકોર કરતા તો ક્યારેક મીઠો ઠપકો પણ આપતા. મંથનને થોડું ગમતું તો ક્યારેક થોડા અણગમા સાથે તે મૌન રહેતો. એકવખત મંથનની ક્લાસમાં પ્રેક્ટીસ પરીક્ષા હતી તેના આગલા દિવસે જમતી વખતે તેણે ખુબ સમય લીધો. તેના ધીમા જમવાની આદત અને ક્યારેક જમતી વખતે ટીવી. જોવાની ટેવ તેને પરીક્ષામાં ભારે પડી શકે છે અને તેના સ્કોર પર પણ અસર પડી શકે છે તેવી ટકોર થોડા ગુસ્સા સાથે દાદાએ કરી. દાદા તેમની રીતે સાચા હતા. વડીલોનો અતિ પ્રેમ અને સંભાળ પણ ક્યારેક હળવા ગુસ્સા સ્વરૂપે બહાર આવે તો કુટુંબના સભ્યોએ તે સમજવું જોઈએ. દાદા-દાદીના સંતાનો આ વાત સમજે પણ પૌત્ર પાસે આ અપેક્ષા ના રાખી શકાય. અત્યારના ટીનએઈજ બાળકો કોઈનું પણ કશું જ સાંભળવા તૈયાર હોતા નથી. તેમને પોતાની અંગત વસ્તુમાં કોઈની સલાહ ગમતી નથી હોતી. તેમની અંગત વસ્તુઓમાં સલાહ આપવામાં આવે તો તેઓ સામેની વ્યક્તિનું અપમાન કરી નાખતા જરાય અચકાતા નથી. મંથન પણ એ વખતે દાદાને સામો જવાબ આપી શક્યો હોત પણ મંથન મૌન રહ્યો. તે તેના રૂમમાં જઈ સુઈ ગયો અને બીજા દિવસની તૈયારીમાં લાગી ગયો. દાદાને પણ પછીથી પૌત્રને ઠપકો આપવા બદલ અફસોસ થયો. બીજા દિવસે પરીક્ષા આપવા જતી વખતે મંથન દાદાને પગે લાગી તેમના આશીર્વાદ લઈને પરીક્ષા આપવા ગયો. દાદા પ્રત્યે જરા પણ કડવાશ ન રાખવાનું કારણ મંથનના માતાપિતાના સંસ્કાર અને શિખામણ હતા. તેના માતાપિતાએ તેને કહ્યું હતું કે દાદાદાદીનો ગુસ્સો પણ તારા સારા માટે જ હશે. તેમનું હંમેશા માન રાખજે. જેવા સાથે તેવા થવાની શિખામણ આપતા અત્યારના માતાપિતાએ આ વાત સમજવા જેવી છે. (દિવ્યભાસ્કર : ૨૦/૧૧/૨૦૧૮)

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો