મુલાકાતી નંબર: 430,024

Ebook
બાળકને સમયનું મહત્વ શીખવાડીએ
બાળકોને સમયનું મહત્વ શીખવીએ. લગભગ ત્રીજા કે ચોથા ધોરણમાં આવતાજ બાળકને સમયની અછત વર્તાય છે. શાળા, ટ્યુશન ઉપરાંત ઘણી બધી ઈતર પ્રવૃત્તિના ભાર તળે જાણે ૨૪ કલાક પણ તેને ઓછા પડે છે. ટાઈમ મેનેજમેન્ટ એટલે અગત્યના કામોને ઓળખી નિયત સમયમાં તેને પુરા કરવા. જો માતા-પિતા ઈચ્છે કે બાળક જે પણ ક્ષેત્રમાં જાય તેમાં તે ખુબ સફળ થાય અને આગળ વધે તો તેનામાં સમયની કિંમત તેમજ અગત્યના કામો સમયસર પુરા કરવાની આવડત નાનપણથી જ હોવી જોઈએ. ટાઈમ મેનેજમેન્ટના પ્રત્યક્ષ પાઠ બાળક માતા-પિતાને જોઇને જ શીખતું હોય છે. માતા-પિતા જ બિનજરૂરી વિષયોમાં સમય વેડફે અને બાળકો પાસે ટાઈમ મેનેજમેન્ટની આશા રાખે તે શક્ય નથી. બાળકને સમયનું મેનેજમેન્ટ શિખવાડતા પહેલા માતા-પિતાએ પહેલા પોતાનું ટાઈમ મેનેજમેન્ટ સુધારવું પડે. ૫ થી ૧૦ વર્ષના બાળકોને “આજના દિવસમાં આપણે શું શું કરીશું?”, તેમ કહી આખા દિવસમાં ૪ થી ૫ કામો કરવાના છે તે શિખવાડાય. દા.ત આજે આપણે સાથે ગાર્ડનમાં જઈશું, પછી ઘરમાં બેસી કોઈ ગેઈમ રમીશું, પછી બધા સાથે બેસી જમીશું, કોઈ ટી.વી પ્રોગ્રામ જોઈશું અને રાત્રે વાર્તા કહી સુઈ જઈશું. બાળકનું મગજ પણ નક્કી કરેલા પાંચ કામો પત્યા કે નહીં તેની નોંધ નાનપણથી જ લેતું થઇ જાય છે. નાનપણમાં સમયનો વ્યવસ્થિત ઉપયોગ કરતા શીખવવું પ્રમાણમાં સરળ હોય છે. ખુલ્લા મેદાનોની રમત, નિયમો, હાર-જીત પણ બાળકોને સમય મેનેજમેન્ટના પાઠ સુંદર રીતે શીખવે છે. ૧૦ થી ૧૫ વર્ષના બાળકો માટે તેમના કાર્યો સાથે સમયને સાંકળવો પડે. તેમના બે કાર્યો વચ્ચે થોડી જગ્યા રાખવી. ધારો કે સ્કુલ ૧ વાગ્યે છુટે તે પછી તેમને જમવા, સુવાનો પુરતો સમય મળવો જ જોઈએ. તેમનું ટ્યુશન તુરત ૨ વાગ્યે ના રખાય. ૪ થી ૫ ટ્યુશન, ૫ થી ૭ રમવાનું અને ૭ થી ૮ પાછુ ભણવાનું કે ટ્યુશન તેમ રખાય. ઘણા બાળકોને ૪ થી ૫, ૫ થી ૬, ૬ થી ૭ તેમ ખુબ ભરચક પ્રવૃત્તિઓનું સમયપત્રક હોય છે. તેમાં તેઓ પોતે જ બોજ હેઠળ આવી જાય છે. નાનપણથી જ તેઓ પ્રવૃત્તિનો આનંદ લેવાને બદલે તેને ભારરૂપ ગણે છે. તેની અસર તેમના સ્વભાવ, ભૂખ અને ઊંઘ પર પણ પડે છે. ઘરના પ્રસંગોમાં, પ્રવાસે જતા અને ખરીદી વખતે બાળકોને સાથે રાખવાથી તેઓ કામ અને સમયને સાંકળતા શીખી જાય છે. ૧૫ વર્ષથી મોટા બાળકોને બીજા દિવસે શું કામ કરવાના છે, તેની ચર્ચા તેઓ સાથે બેસીને કરવી જોઈએ. તેમાંથી કયા કામો અગત્યના છે, કયા કામો તેણે પહેલા કરવા જોઈએ અને કયા કામોને છેલ્લે રાખવા અને કદાચ આ કામો ના થાય તો પણ ચાલે તે શીખવવું જોઈએ. ક્યાંક બાળકની ભૂલ થાય તો તેને ઉતારી પાડી અને ધમકાવવાને બદલે બાળકે તેનો સમય ક્યાં બગાડ્યો તેનું હળવાશથી ધ્યાન દોરવું. ઓછા અગત્યના કામો અઠવાડિયામાં કે મહિનામાં થાય તો પણ ચાલે તેવું તેને સમજાવવું. ભણવામાં કે રમત-ગમતમાં આવતા બે કે ત્રણ અઠવાડિયામાં તે શું કરવા ઈચ્છે છે તેની ચર્ચા તેની સાથે બેસી કરવી જોઈએ. ટાઈમ મેનેજમેન્ટની ચિંતામાં તેની આંતરિક શક્તિઓ ક્ષીણ થાય તેવું દબાણ પણ ના હોવું જોઈએ. સમય મેનેજમેન્ટ શીખવવા માટે માતા-પિતાએ બાળકને પોતાનો સમય આપવાનું મેનેજમેન્ટ ખાસ કરવું પડે. બાળકને ઓછો સમય આપી બાળક સુંદર સમય મેનેજમેન્ટ શીખે તે અશક્ય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો