
બાળકોને તેમની ભૂલોમાંથી જ શીખવીએ
પોતાની ભૂલો કે નિષ્ફળતા એ સફળતા મેળવવાનો એક પાઠ છે આ શિક્ષણ બાળકોને શ્રેષ્ઠ રીતે માતાપિતા જ આપી શકે. બાળકોથી જ્યારે પણ કોઈ ભૂલ થઈ જાય કે કોઈ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તેમાં ચિંતા કરવાની જરૂર નથી પણ નિષ્ફળતાને યોગ્ય રીતે જોતા અને તેમાંથી બોધપાઠ લેવાની શિખામણ માતાપિતા આપી શકે. પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે ઘણા માતાપિતાની વાતો અને વર્તન એવું હોય છે કે હંમેશા તેઓ સફળ જ થયા હોય અને વિધાર્થી અવસ્થામાં તેઓએ કોઈ ભૂલ જ ના કરી હોય. માતાપિતાની આવી વાતો બાળકો પર વધુ દબાણ સર્જે છે. પોતાની નબળાઈઓને ઓળખવાની તક તે ભૂલો અને નિષ્ફળતા છે. તેનાથી હતાશ થવાની જરૂર નથી હોતી. કોઈ એક પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે એટલે જીવનભરની અન્ય પરીક્ષામાં ઓછા માર્ક્સ જ આવશે તેવું હોતું નથી. કોઈ એક પરીક્ષામાં ઓછા માર્ક્સ તે ચોક્કસ સમયે અને ચોક્કસ ધોરણમાં આવેલા ઓછા માર્ક્સ છે. તેને અન્ય ધોરણો કે અન્ય પરીક્ષાઓ સાથે કોઈ જ લેવાદેવા નથી. ક્રિકેટમાં સારા બેટ્સમેનની ઇનિંગમાં પણ ઘણા ડોટ બોલ્સ હોય છે. દરેક બોલમાં ચોક્કા કે છક્કા શક્ય નથી. પણ ડોટ બોલ્સ સહિતની પૂરી ઇનિંગનું મુલ્યાંકન થાય છે. માતાપિતાએ બાળકની નિષ્ફળતા વખતે ફક્ત પોતાની હાજરી અને સાનિધ્ય દ્વારા હુંફ આપવી. બાળકને વિશ્વાસ અપાવવો જોઈએ કે તેની ક્ષમતા ઉપર તેમને પૂરો ભરોસો છે. એક વાર ઓછા માર્ક્સ આવ્યા પછી તેમાંથી શીખીને ભવિષ્યની પરીક્ષામાં તે શ્રેષ્ઠ કરી શકશે. માતાપિતા સહજ અને સરળ રહેશે તો બાળકનો આત્મવિશ્વાસ વધશે અને તેનામાં રહેલી ખૂબીઓ અને શક્તિઓ નિખરી ઉઠશે. ડો. અબ્દુલ કલામે પણ તેમની આત્મકથામાં લખેલું કે નાનપણમાં મને જે નહોતું આવડતું કે મારાથી જે શક્ય ન હતું એની હું નોટ લખતો અને રોજ જોતો. આ નોંધ મારા માટે ઘણું શીખવનારી અને પ્રેરણાદાયી રહેતી. આમ પોતાની કે અન્યની ભૂલોને જ યોગ્ય રીતે વિઝ્યુલાઈઝ કરી તેમાંથી શ્રેષ્ઠ કામ કરવાની પ્રેરણા માતાપિતા જ આપી શકે. બાળક ભૂલ કરે કે નિષ્ફળ થાય તો માતાપિતાએ જરાય હતાશ થવાની જરૂર નથી. બાળક તેનાથી વધુ સરસ કરી શકે તેવું કઈક શીખવાની એક તક ગણવી. આવા સમયે નકારત્મક વાક્યો, અન્ય સફળ બાળકોના ઉદાહરણ કે પોતે ખર્ચેલા નાણા વિશેની વાતો માતાપિતાએ ટાળવી. દંગલ પિકચરમાં જ્યારે આમીરખાનની દીકરી તેને ફોનમાં કહે છે કે, ‘બાપુ મૈ દોનો મેચ હાર ગઈ.’ આમીરખાનનો જવાબ હોય છે કે, ‘મેચ હારી હૈ ના જીવન તો નહીં હારી.’ માતાપિતાનું વર્તન જ બાળકને હુંફ અને પ્રેરણા આપે છે. બાળકોની પરીક્ષા સમયે માતાપિતાએ એટલું હળવું રહેવું જોઈએ કે પોતાનો આત્મવિશ્વાસ વધારવા બાળકોએ અન્ય કોઈ વ્યક્તિની મદદ કે ઉદાહરણ લેવા જવું ના પડે.
પ્રતિશાદ આપો